Tuesday, June 23, 2020

જન્મદિવસ

આજે મે મહિનાની ૮ મી તારીખ વર્ષ ૨૦૦૯ આવતીકાલે ૯ મી તારીખ એટલે કે ભારતવર્ષ ના બે મહાન ક્રાંતિકારી શ્રી મહારાણા પ્રતાપ અને બાળ ગંગાધર તિલક નો જન્મદિવસ આવશે. આ યાદીમાં બીજા ઘણા સામાન્ય માણસોને પણ જોડી શકાય જે ભલે મહાન નથી પણ આ જ તારીખે જનમ્યા છે. હું અમિતકુમાર પણ આમાનો જ એક સામાન્ય માણસ છું.

જન્મદિવસ - આમ તો આ દિવસ પણ કેલેન્ડર ની એક તારીખ થી વિશેષ કશું નથી. પણ દરેક વ્યક્તિ માટે એનો જન્મદિવસ એક યાદગાર દિવસ હોઈ. દરેક વ્યક્તિ વર્ષમાં આ દિવસની રાહ જોઈને બેસે છે કે ક્યારે એનો જન્મદિવસ આવે અને પરિવારના સભ્યો અને મિત્રો સાથે એ દિવસની યાદગાર ઉજવણી કરે. પણ શું ક્યારેય એવું બને કે તમારા પરિવારના લોકો તમારો જન્મદિવસ જ ભૂલી જાય ??? જવાબ છે હા અને ના બન્ને. એટલે કે એવું બની પણ શકે અને ન પણ બન્ને ! પણ હું એ વ્યક્તિ છું જેની સાથે આવું બન્યું છે.

તારીખ હતી ૮ મી મે વર્ષ ૨૦૦૯ નું રાતના બાર વાગે હું ખૂબ ઉત્સાહમાં હતો કે આવતીકાલે સવારે તો મારો જન્મદિવસ છે. મજા આવશે ! નવા કપડાં પહેરીશ, ફરવા જવાનું, મિત્રો સાથે ઉજવણી કરવાની, ઘરમાં પણ મારા માટે સારું સારું જમવાનું બનશે ! પણ અફસોસ કે આવું કશું જ ન બન્યું.  કારણ શું ??? કારણ એક જ કે કોઈને મારા જન્મદિવસ વિશે ખ્યાલ જ નહોતો. સ્વાભાવિક છે ખ્યાલ જ ન હોઈ તો ઉજવણીની વાત જ ન આવે !

સવારે રોજના ક્રમ મુજબ હું આઠ વાગ્યે ઊઠી ગયો. નાહી ને મારા આરાધ્ય દેવ એવા મહાદેવના મંદિરે પાણી પણ ચઢાવી આવ્યો. સાથે સાથે મારા જીવનમાં જેનું સૌથી વધુ મહત્વ છે એવા સૂર્ય નારાયણ ને પણ જલ ની અંજલી અર્પણ કરી. ઘરે પાછા ફરતા ફરતા રસ્તામાં વિચારતો હતો કે આજે તો મમ્મી મને પૂછશે કે અમિતકુમાર જમવામાં શું બનાવશું ??? આજે તો તારો જન્મદિવસ છે એટલે તને જે પસંદ છે એ બનાવીશું ! દર વર્ષની જેમ મારો એક જ ગોખેલો જવાબ હોઈ શિખંડ પૂરી ! આમ પણ મે મહિનો હોઈ એટલે સ્કુલમાં પણ વેકેશન ચાલતું હોઈ એટલે આખો દિવસ ઘરે જ રહેવાનું અને સતત ટીવી જોઈ ને સમય પસાર કરવાનો. કંટાળો આવે તો આજુ બાજુના સાથીદારોને ભેગા કરીને કેરમ રમવાનું. ફેસબુક નું હજુ આગમન જોઈએ એટલા પ્રમાણ માં થયું ન્હોતું એટલે લોકોને પણ ખબર ન હોઈ કે આજે મારો જન્મદિવસ છે ! હવે ક્યાં દિવસે કોનો જન્મદિવસ છે એ યાદ અપાવવાનો ઠેકો ફેસબુક એ લઈ લીધો છે !

હું આવું વિચારતો વિચારતો પાછો આવ્યો એટલે તરત જ મમ્મી એ કીધું, "અમિતકુમાર આજે બાજરાનો લોટ ખલાસ થઈ ગયો છે, આજે તારા નાના ભાઈ ને રોટલો અને ગુવાર નું શાક ખાવાની ઈચ્છા છે તો તું કરિયાણા ની દુકાન પર જાઇ ને અડધો કિલો બાજરાનો લોટ લઈ આવ !"

હું વિચારમાં પડી ગયો, જન્મદિવસ મારો અને જમવાનું મારી પસંદ ને બદલે નાના ભાઈની પસંદ નું ??? કયક તો લોચો છે, મને એમ કે હું પાછો આવીશ એટલે મમ્મી અને મારા ભાઈ બહેન અને પપ્પા મને કોઈ સરપ્રાઈઝ આપશે !

હું ઘરની બાજુ માં આવેલી દુકાન માથી લોટ લઈને પણ આવી ગયો ! પણ આશ્ચર્ય કોઈ કશું બોલતું નથી ! બધા પોત પોતાના કામ માં મશગુલ જાણે કોઈને ખબર જ નથી કે આજે મારો જન્મદિવસ છે ! મને એમ કે હશે જમવાનો સમય થશે ત્યારે કોઈ સરપ્રાઈઝ મળશે !

બપોરે ૨ વાગી ગયા, મારા પપ્પા પણ નોકરીએથી આવી ચૂક્યા હતા. અમારો રોજનો ક્રમ આ જ હતો વર્ષોથી કે પપ્પા નોકરીએથી પાછા આવે એટલે બધાએ જમવા સાથે બેસવાનું ! મમ્મી એ તો નાના ભાઈની પસંદ મુજબ જમવાનું બનાવી જ નાખ્યું હતું.

જમતી વખતે પણ વિચારતો હતો કે જમતા જમતા કોક તો મને કહેશે કે જન્મદિવસ ની શુભકામનાઓ ! પણ આ શું ??? રોજ ની જેમ બધા જમીને ઉભા થઇ ગયા તો પણ કોઈએ કશું ન કીધું ! મને એમ કે હશે સાંજે કોઈ પાર્ટી નો ચૂપચાપ પ્લાન ગોઠવ્યો હશે ! હું તો જમીને મારા મિત્રો સાથે કેરમ રમવા ચાલ્યો ગયો !

કેરમ રમવામાં ક્યારે સાંજ પડી ગઈ ખબર પણ ન પડી, મે કીધું મમ્મી આજે જમવામાં કય સ્પેશ્યલ બનાવવાનું છે કે શું ??? મારી મમ્મી કહે શું સ્પેશ્યલ બનાવીએ, કાલે જ પાવ ભાજી બનાવેલી આજે તો ખાલી ખીચડી અને બટાકા નું શાક જ બનાવવાનું છે !

હું પાછો વિચાર માં પડી ગયો કે મમ્મી મારી મસ્તી કરે છે, જરૂર આઇસ્ક્રીમ તો લાવી જ હશે પણ અત્યારે નહિ કહે જમવાના સમયે કહેશે ! હું પાછો ચા પીને રમવા ચાલ્યો ગયો. રાતના આઠ વાગ્યે ઘરે આવ્યો. ઘરે આવીને જોયું તો વળી પાછા બધા કામ માં મશગુલ ! પપ્પા સાંજનું અખબાર વાંચતા હતા, ભાઈ બહેન ટીવી પર પૃથ્વીરાજ ચૌહાણ ની સિરિયલ જોતા હતા અને મમ્મી રસોડામાં ખીચડી અને બટાકાનું શાક બનાવતા હતા. હું વિચારું કે આ શું ગોલમાલ છે આજે મારો જન્મદિવસ છે અને કોઈને કશી પડી જ નથી. આટલા વર્ષોમાં તો ક્યારેય એવું નથી બન્યું કે મારો જન્મદિવસ હોઈ અને મારા પરિવાર ને જ ખબર ન હોઈ !

૯:૩૦ વાગ્યે અમે જમવા બેઠા ! જમતા જમતા પણ કોઈએ મને હેપ્પી બર્થડે ન લીધું. હું પણ અજાણ્યો બનીને જમતો ગયો. જમવાનું પૂરું થયું એટલે મેં મમ્મીને કીધુ મમ્મી આજે શું છે યાદ છે ?? મમ્મી કહે શું છે ?? કય તો નથી. મે કીધું આજે કઈ તિથિ છે ?? મારી મમ્મી કહે આજે ચૈત્ર સુદ પાંચમ છે બીજું શું છે ! મે કીધું એમ નહિ આજે તારીખ શું છે ?? મારી મમ્મી કહે આજે તો ૯ મી મે છે ! પછી મે કીધું હવે કશું યાદ આવ્યું કે હજી પણ આગળ કહું શું છે આજે ???


મારી મમ્મી નો કોળિયો હાથ માં જ રહી ગયો અને બોલ્યા, " અરે અમિત આજે તો તારો જન્મદિવસ હતો ! ભુલાઈ જ ગયું ! " આ સાંભળીને મારા ભાઈ બહેન અને પપ્પા પણ મારી સામે આશ્ચર્યચકિત થઇને જોવા લાગ્યા, કે અરે આજે અમિતનો જન્મદિવસ છે અને આપણે કોઈએ એને હેપ્પી બર્થડે પણ ન કીધું ! બહુ મોટી ભૂલ કરી નાખી !

મારી બહેન કહે, " તને ખબર હતી કે આજે તારો જન્મદિવસ છે તો તારે અમને કહેવાય નહિ ! "

મે ખાલી એટલું જ કીધું, " મારો જન્મદિવસ પણ હું તમને યાદ કરાવું તો એ જન્મદિવસ શું કામનો ! "

ત્યારની ઘડી અને આજનો દિવસ હું હવે જન્મદિવસ જ નથી મનાવતો !

1 comment:

  1. અમિત જી.....થયું એ થયું એને શું કામ પકડી રાખવું? Keep smiling and celebrate ur existence i beautiful world. Keep writing.....

    ReplyDelete

નામકરણ : આધુનિકતા થી મૂળ તરફ પ્રયાણ

અરે ઓ સાંભા કિતને આદમી થે?? આ સંવાદ સાંભળીને કોણ યાદ આવે ?? યસ એકદમ સાચું... ગબ્બર યાદ આવે ! જાની...... આ એક શબ્દ સાંભળી ને જોયા વગર કહી ...