Saturday, December 28, 2019

ક્રોધ ! માણસ નો મિત્ર કે શત્રુ ??

"ધીરા સો બહાવરા ઉતાવળા સો ગંભીર" આ કહેવત બાળપણ માં ક્યાંક ને ક્યાંક બધાએ સાંભળેલી જ હશે. આપણે જેમ નવો મોબાઈલ ખરીદીએ ત્યારે એમાં અમુક એપ્લિકેશન install કરેલી જ આવે છે જેને તમે ડિલીટ પણ ના કરી શકો અને કરો તો મોબાઈલ સરખો કામ ન કરી શકે. એ જ રીતે પૃથ્વી પર જન્મ લેતા દરેક મનુષ્ય ની અંદર અમુક પ્રોગ્રામ ફીટ થયેલા જ આવે છે જેમ કે ભય, પ્રેમ, કરુણા, સંવેદના અને ક્રોધ ! આ બધી વસ્તુ આપણી અંદર જન્મ લેતાં ની સાથે જ ફીટ થયેલી આવે છે. ઉંમર વધતાં ની સાથે તમે આ બધી વસ્તુઓ પર ઈચ્છો તો કાબૂ કરી શકો છો (કાબૂ કરી શકો છો રોકી તો ના શકો) ! ઘણી વાર આપણે ઈચ્છતા ના હોઈએ તો પણ આપણે ક્રોધ આવી જ જાય છે એની પાછળ ઘણા બધા કારણ હોય શકે છે. પણ મુખ્ય કારણ છે માણસનો "અહમ"  હું કહું એ જ થવું જોઈએ ! અને જો સામેના વ્યક્તિઓ એવું ના કરે તો તરત એના પર જ્વાળામુખી ની જેમ તૂટી પડવાનું. આવું બધી જ જગ્યાએ જોવા મળતું જ હોય છે આમાં નવાઈ ની કોઈ વાત નથી. પણ એક સારા અને સમજુ માણસ તરીકે આપણે વિચારવું જોઈએ કે શું ખરેખર ક્રોધ કરવાથી કોઈ ફાયદો છે?? ફાયદો કદાચ ક્ષણિક હોય શકે પણ દૂર નું વિચારશો તો નુકશાન જ મળશે. બુદ્ધ ભગવાન એ ક્રોધ વિશે એવું કહેલું છે કે ક્રોધ એ સામે વાળા પર ફેંકવા માટે હાથ માં પકડેલા સળગતા કોલસા સમાન છે, જે સામે વાળાને તો પછી બાળશે પણ સૌથી પહેલા તમને જ દાજડશે ! "જે લોકો તમારી હાજરી માં ચૂપ થઇ જતાં હોય ( તમારા ક્રોધના લીધે ) એ જ લોકો તમારી ગેર હાજરી માં તમારા વિશે વધુ બોલતા હશે" જ્યાં તમે નથી હોતા ત્યાં તમારા ગુણ કે અવગુણ તમારું પ્રતિનિધિત્વ કરતા હોય છે ! એટલે દરેક માણસે પોતાની છબી વિશે સજાગ રહેવું જોઈએ. ક્રોધ કરવાથી જો પરિણામ સારું આવવાનું હોય તો ક્રોધ કરી પણ લેવો જોઈએ પણ પરિણામ સારું આવવાનું હોય તો જ ! કોઈ પણ વ્યક્તિને ક્રોધ આવે એટલે સામે વાળા ને ખ્યાલ આવી જ જાય કે આ ભાઈ કે બહેન ને હવે ગુસ્સો આવવાનો છે ( ભાગી જાવ જલ્દી ) જેવો ગુસ્સો આવવાનો હોય ત્યારે માણસ નો ચહેરો તંગ થવા લાગે આંખ માં લોહી ઘસી આવે અને હાથ ની મુઠ્ઠીઓ કડક થવા લાગે એટલે સમજી જવાનું હવે આ સજ્જન(!) કોપાયમાન થવાના લાગે છે ! ક્રોધ પણ એક પ્રકારની લાગણી જ છે પણ આપણે ઇચ્છીએ તો એના પર પણ કાબૂ કરી શકીએ. પણ કાબૂ કરવા નું વિચારીએ એ પહેલા ક્રોધ અમલમાં મુકાય પણ ગયો હોય છે. ક્રોધ કરનાર ને સજા આપવાની કોઈ જરૂર જ નથી પડતી... કારણ કે ક્રોધ કરીને એ પોતાની જાતને જ સજા આપી દે છે જેથી આપણે સજા આપવી જ ના પડે. ઘરે સારું જમવાનું ના મળે તો માતા કે પત્ની પર ક્રોધ, પરિક્ષામાં સારા માર્ક ના મળે તો પરીક્ષક પર ક્રોધ, મોબાઈલ માં નેટવર્ક ના આવે તો સીમ કાર્ડ ની કંપની પર ક્રોધ ( લીસ્ટ લાંબુ બનશે આટલું બસ રાખીએ ) ખરેખર માણસે ક્રોધ કરવાના એટલા બધા રસ્તાઓ શોધી લીધા છે કે એનો ક્રોધ કાબૂ માં લાવવો થોડુ અઘરું કાર્ય છે. પણ સમય બધું શીખવાડી દે છે જેમ નાના બાળકને સમય જતાં બોલતા આવડી જાય એમ સમય જતા માણસ ને પણ " ચૂપ " રહેતા આવડી જ જાય ! સમય થી મોટો શિક્ષક કોઈ નથી ! આટલું બધું વાંચવામાં સમય કાઢ્યો અને મજા ના આવે તો મારા પર પણ ક્રોધ ! વાંધો નહિ મજા ના આવે તો મોબાઈલ નો ઘા કરી દેજો ( મારો નહિ તમારો ) ઇતિ સિદ્ધમ !

Friday, December 27, 2019

રોલ નંબર ૫૬

ઘણા સમય થી લખવાનો સમય નથી મળ્યો પણ આજે સમય કાઢ્યો છે. આજે વાત કરવી છે એક ફિલ્મ વિશે. ફિલ્મ નું નામ કદાચ તમે ના પણ સાંભળ્યું હોઈ પણ આ ફિલ્મ જોવા જેવું છે ખાસ કરીને માતા પિતા એ અને આજના શિક્ષકો એ. ફિલ્મ ની શરૂઆત એક મકાન ના રવેશ માં ઉભા ઉભા વાતો કરતા એક ભાઈ અને બહેન નજરે પડે છે. ફિલ્મ નું મુખ્ય પાત્ર એટલે શની નામનો એક વિદ્યાર્થી. જે ભણવામાં હોંશિયાર છે પણ એને એક સમસ્યા છે અને એ સમસ્યા એટલે એનું તોતડા પણું ! ક્લાસ માં જ્યારે શિક્ષક એનો રોલ બોલે હાજરી પુરવા માટે ત્યારે એને પરસેવો છૂટવા લાગે છે કારણ કે બધા વચ્ચે એ  "યસ સર" આ બે શબ્દો પણ સરખા બોલી શકતો નથી. ફિલ્મ માં એક બાળકની બોલવાની સમસ્યા ના લીધે એને અન્ય વિધાર્થીઓ તરફથી કેવી કેવી તકલીફો સહન કરી છે એની વાત વણી લેવામાં આવી છે. શની એ સ્કુલ એ જવું ના પડે એટલા માટે પોતાની સાઈકલ માથી રોજ હવા કાઢી નાખવાના કારનામા કરે છે. ફિલ્મ ખૂબ ધીમી ગતિએ આગળ વધે છે એટલે ખાસ તમને જકડી રાખે એવું કોઈ કારણ આમાં મળશે નહિ. ૬૦ દિવસથી ભાગેલો શની પાછો ઘરે ફરશે કે નહિ એના પર આખી ફિલ્મ ની વાર્તા રહેલી છે. બહુ સારી તો નહિ પણ મધ્યમ કક્ષા ની ફિલ્મ ગણી શકાય. જો ફિલ્મ જોવાનો શોખ હોય તો એક વાર જોઈ નાખવામાં કોઈ વાંધો નથી !

તમે આ ફિલ્મ જોઈ લીધી હોય તો એના વિશે તમારા વિચારો અહી જણાવી શકો છો !

Thursday, March 28, 2019

એક કદમ રાષ્ટ્ર ભાવના તરફ

મૂળ જામનગર ના અને હાલ નર્મદા જિલ્લા ના સાગબારા તાલુકા ના બોદવાવ ગામે ધો ૬ થી ૮ ના  સામાજિક વિજ્ઞાન વિષયના નવનિયુક્ત શિક્ષક શ્રી અમિત ગીરી ગોસ્વામી દ્વારા  બાળકો માં રાષ્ટ્ર ભાવના વિકસે એ હેતુ માટે ભારત માતાની તસવીર શાળાને અર્પણ કરવામાં આવી. આ તકે શાળા ના મુખ્ય શિક્ષક અને અન્ય શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
જય હિન્દ

Friday, March 22, 2019

કર્મ ભુમિ બોદવાવ

ઘણાં સમય પછી કશુ લખવાનો સમય મલ્યો છે. લખવાનુ મન તો રોજ થાય છે પણ લખવા માટે સમય નથી રહેતો. આજે વાત કરવી છે મારી શાળાની ! પ્રાથમિક શાળા બોદવાવ તા. સાગબારા જિ. નર્મદા ! જીવનમાં ક્યારેય વિચાર્યુ પણ ન હતુ કે જામનગરથી અંદાજે ૫૫૦/૬૦૦ કિ.મિ દુર મારી કર્મ ભુમિ હશે ! પણ આપણે ધારેલુ બધુ થતું હોઇ તો પછી આપણાં મા અને ઉપરવાળામાં ફેર શુ ? હુ ક્યારેય એમ નથી કહેતો કે મે બોદવાવ પસંદ કર્યુ ! પણ એમ કહું છુ કે "બોદવાવ શાળા અને ત્યાં અભ્યાસ કરતાં બાળકોના નસીબે મને પસંદ કર્યો છે." દરેક બાળકની શિખવાની ક્ષમતા અલગ અલગ હોઇ છે. જે વાત એક હોશિયાર બાળક એક વાર માં સમજી જાય છે, એ જ વાત અભ્યાસમાં  નબળા બાળકને ત્રણ વખત પછી સમજાય છે. એક શિક્ષક તરીકે આપણે બધા બાળકો પર સરખુ ધ્યાન આપવાનુ હોઇ છે. મારી શાળામાં મારા સહિત ૬ શિક્ષકો છે.૧) વિનોદભાઈ વસાવા (મુ.શિ) ૨) અમિતાબહેન ચૌધરી (ધો.૧ થી ૫) ૩) ભાવેશભાઈ પટેલ (ધો. ૧ થી ૫)
૪) યોગેશભાઈ વસાવા (ધો. ૬ થી ૮ ગણિત વિજ્ઞાન) ૫) મિતલબહેન ચૌધરી (ધો. ૬ થી ૮ ભાષા) ૬) અમિત ગીરી ગોસ્વામી (ધો. ૬ થી ૮ સામાજિક વિજ્ઞાન) ! હુ પોતે જામનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા નંંબર ૨૫ મા ભણ્યો છુ એટ્લે સરકારી શાળાના વાતવરણ થી હુ સુપેરે પરિચિત છું ! અત્યાર સુધિ એવુ સાંભળ્યુ હતું કે શિક્ષક જેવો ઉતમ વ્યવ્સાય એક પણ નથી...... પણ આ વાત ત્યારે નહોતી સમજાતી ! પણ આજે આ વ્યવ્સાય મા આવ્યા બાદ આ વ્યવ્સાય નુ "મુલ્ય" સમજાય છે ! રોજ બાળકોને મળવાનુ તેમની જિજ્ઞાસાને સંતોષવાની અને રોજ કશુક નવુ જ્ઞાન આપવાનુ ! ૨૬/૦૨/૨૦૧૯ આ દિવસ હવે આજિવન મારા માટે યાદગાર બની રહેશે કેમકે આ દિવસે મે મારી શાળામાં પ્રથમ વખત મારા કદમ મુક્યા હતા ! 

નામકરણ : આધુનિકતા થી મૂળ તરફ પ્રયાણ

અરે ઓ સાંભા કિતને આદમી થે?? આ સંવાદ સાંભળીને કોણ યાદ આવે ?? યસ એકદમ સાચું... ગબ્બર યાદ આવે ! જાની...... આ એક શબ્દ સાંભળી ને જોયા વગર કહી ...