Saturday, July 11, 2020

" મહાભારત : યક્ષ અને યુધિષ્ઠીર વચ્ચે નો સંવાદ "

મહાભારત વિશે આપણે બધાએ આપડા દાદા કે દાદી પાસેથી ક્યારેક ને ક્યારેક વાર્તાઓ સાંભળી જ હશે ! હું જ્યારે ધોરણ ૮ માં અભ્યાસ કરતો હતો ત્યારે સૌ પ્રથમ વખત સ્ટાર ઉત્સવ ચેનલ પર બી.આર ચોપડા ની મહાભારત જોઈ હતી, એ પછી સ્ટાર પલ્સ પર આવતી મહાભારત જોઈ અને સૌથી છેલ્લે સોની ટીવી પર આવતી સૂર્યપુત્ર કર્ણ સિરિયલ જોઈ..! આજે પણ જ્યારે સમય મળે ત્યારે YouTube માં સમય કાઢીને આ બધી સિરિયલ જોવ છું ! જેટલી વાર જોઈએ એટલી વાર અલગ અલગ વાત જાણવા મળે !

આ મહાભારત માં અજ્ઞાત વાસ ના સમય દરમ્યાન એક વખત વન માં ભ્રમણ કરતા કરતા યાગ્યસેની ને તરસ લાગે છે એટલે ધર્મ રાજ નકુલ ને પાણી શોધવા માટે મોકલે છે !

નકુલ એક તળાવ શોધે છે અને તેમાંથી પાણી પીવાનો પ્રયત્ન કરે છે, પણ એ તળાવ ની સુરક્ષા એક યક્ષ કરતો હોઈ છે, એ નકુલ ને ચેતવે છે કે મારા સવાલ ના જવાબ આપ્યા વગર પાણી પીશ તો તારું મૃત્યુ થશે ! પણ નકુલ એની વાત માનતો નથી અને મૃત્યુ પામે છે !

ઘણી વખત રાહ જોયા બાદ પણ નકુલ પાછો આવતો નથી એટલે એની શોધ માં ક્રમશ: અન્ય પાંડવો એની શોધ માં આવે છે અને જે ભૂલ નકુલ એ કરી હતી એ જ ભૂલ કરે છે !

અને સૌથી છેલ્લે ધર્મરાજ આવે છે અને જુએ છે તો નકુલ, સહદેવ, અર્જુન, ભીમ મૃત અવસ્થામાં તળાવ પાસે પડેલા હોઈ છે ! પરિસ્થિતિનો તાગ મેળવી ધર્મરાજ પણ પાણી પીવાનો પ્રયત્ન કરે છે એટલે તરત જ યક્ષ એમને સાવધાન કરે છે !

ધર્મરાજ પણ યક્ષ નું સન્માન કરે છે. યક્ષ એમને કહે છે તારા બધા ભાઈઓએ મારી આજ્ઞા નું પાલન કર્યા વગર પાણી પીવાની કોશિશ કરી એટલે એ બધા મૃત્યુ પામ્યા છે ! પણ હે યુધિષ્ઠીર તું આવું ન કરીશ !

ત્યારબાદ યુધિષ્ઠીર યક્ષ ના સવાલો ના જવાબ આપવા માટે સહમત થાય છે !

તો યક્ષ અને યુધિષ્ઠીર વચ્ચે થયેલા સવાલો અને જવાબ નીચે મુજબ આપ્યા છે ! વિશ્વના સૌથી શ્રેષ્ઠ ગણી શકાય એવા તત્વજ્ઞાન નો આમાં સમાવેશ થયો છે !

યક્ષ: પૃથ્વી કરતાં પણ વજનદાર શું છે ?
યુધિ. : માતા

યક્ષ: આકાશ થી પણ ઊંચું કદ કોનું છે ?

યુધિ. : પિતા

યક્ષ: પવન થી પણ વધુ તેજ ગતિ કોની છે ??

યુધિ. : મન

યક્ષ: સંખ્યામાં તણખલા થી વધુ શું છે ?

યુધિ. : ચિંતા

યક્ષ: મૃત્યુ ની નજીક પહોંચેલા પુરુષનો મિત્ર કોણ છે ?

યુધિ. : દાન

યક્ષ: ધર્મ, યશ, સ્વર્ગ અને સુખ નું મુખ્ય સ્થાન શું છે ?

યુધિ. : ધર્મ નું મુખ્ય સ્થાન દક્ષતા, યશ નું મુખ્ય સ્થાન દાન, સ્વર્ગ નું મુખ્ય સ્થાન સત્ય છે, સુખ નું મુખ્ય સ્થાન શીલ છે !

યક્ષ: મનુષ્યનો આત્મા શું છે ?

યુધિ. : પુત્ર

યક્ષ: જગત ને કઈ વસ્તુએ ઢાંકી રાખી છે ?

યુધિ. : અજ્ઞાન

યક્ષ: આળસ શું છે ?

યુધિ. : ધર્મ ન કરવો

યક્ષ: સુખી કોણ છે ?

યુધિ. : જેના પર કોઈ ઋણ નથી

યક્ષ: સાચું સ્નાન શું છે ?

યુધિ. : જે મનનો મેલ સાફ કરે

યક્ષ: કાજલ થી કાળું શું છે ?

યુધિ. : કલંક

યક્ષ: જગત માં શ્રેષ્ઠ ધર્મ શું છે ?

યુધિ. : દયા

યક્ષ: શેને વશ માં રાખવાથી શોક નથી થતો ?

યુધિ. : મનને

યક્ષ:  લજ્જા શું છે ?

યુધિ. :. ન કરવા જેવા કામ થી દુર રહેવું

યક્ષ: દયા શું છે ?

યુધિ. : બધાના સુખ ની મંગલ કામના કરવી

યક્ષ: રાષ્ટ્ર ના મૃત્યુ નું કારણ શું છે ?

યુધિ. : અરાજકતા

યક્ષ: બ્રાહ્મણત્વ નું પ્રમાણ શું છે કુલ, ચરિત્ર, શિક્ષા કે પછી શાસ્ત્ર જ્ઞાન ?

યુધિ. : ચરિત્ર

યક્ષ: ધર્મ શું તર્ક માં છે ?

યુધિ. : ના

યક્ષ: તો શું ઋષિઓની વિચારધારા માં છે ?

યુધિ. : ના, કેમકે કોઈ એક ઋષિની વિચારધારા બીજા ઋષિ સાથે મળતી નથી, એમની વચ્ચે પણ મતભેદ છે.કોઈ પણ ઋષિ પાસે સંપૂર્ણ સત્ય નથી.

યક્ષ: તો પછી ધર્મ નું સંપૂર્ણ સત્ય શું છે ?

યુધિ. : વ્યક્તિના હ્રદય ની અંદર

યક્ષ: દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય શું છે ?

યુધિ. : દરેક વ્યક્તિ રોજ બીજા લોકોને મૃત્યુ પામતા જોવે છે, છતાં પણ પોતે મૃત્યુ થી બચી જશે એવો ખ્યાલ.

તો આ હતો યક્ષ અને ધર્મરાજ વચ્ચેનો સંવાદ. આશા રાખું છું તમને વાંચવાની મજા આવી હશે !

તમારા પ્રતિભાવો કૉમેન્ટમાં જણાવજો.

1 comment:

નામકરણ : આધુનિકતા થી મૂળ તરફ પ્રયાણ

અરે ઓ સાંભા કિતને આદમી થે?? આ સંવાદ સાંભળીને કોણ યાદ આવે ?? યસ એકદમ સાચું... ગબ્બર યાદ આવે ! જાની...... આ એક શબ્દ સાંભળી ને જોયા વગર કહી ...