Monday, June 8, 2020

નામકરણ : આધુનિકતા થી મૂળ તરફ પ્રયાણ

અરે ઓ સાંભા કિતને આદમી થે?? આ સંવાદ સાંભળીને કોણ યાદ આવે ?? યસ એકદમ સાચું... ગબ્બર યાદ આવે ! જાની...... આ એક શબ્દ સાંભળી ને જોયા વગર કહી શકીએ કે આ કોણ હશે ??? રાજકુમાર સાહેબ જ હોઈ.....ઓ હો હો હો હો આ સાંભળીને કોણ યાદ આવે ??? એક જ ગુજરાતી હાસ્ય અભિનેતા સ્વર્ગસ્થ શ્રી રમેશ મહેતા યાદ આવે ખરું ને ?? નામ માં શું રાખ્યું છે ??? આવું કહીને નીચે શેક્સપિયર એ પોતાની સહી કરી નાખી ! દરેક નામની એક પોતાની અલગ ઓળખ હોઈ છે એ ઓળખની પોતાની એક અલગ અને આગવી પ્રતિભા હોઈ છે ! સમાજના બહોળા જનમાનસ પર દરેક નામની એક ચોક્કસ અને અમિટ છાપ હોઈ છે. આ આટલી બધી પૂર્વ ભૂમિકા બાંધવાનું કોઈ કારણ ?? હા બહુ અગત્યનું એક કારણ છે ! શું કારણ છે ચાલો જાણીએ... આ મારો અંગત પ્રતિભાવ છે જેને રાજકારણ સાથે કોઈ લેવા દેવા નથી એટલે આગળ પૂર્વગ્રહ મુક્ત વિચારો ધરાવતા હોઈ એવા લોકોએ જ વાંચવું એવી મારી નમ્ર વિનંતી છે !

હમણાં હમણાં સુપ્રીમ કોર્ટ માં એક યાચિકા દાખલ કરવામાં આવી કે પ્રજાસત્તાક ભારત નું નામ  ઈંડિયા ને બદલે ભારત કરવામાં આવે. હવે આ બાબત માં ઘણા બધા લોકોને મરચાં લાગી ગયા છે, કે ઈંડિયા નામ માં વાંધો શું છે ??? અરે વાંધો એક નહિ હજાર છે મહાશય !

પહેલી વાત કે ઈંડિયા નામ આપડી શોધ તો છે નહિ... આ નામ આપડા પર પરાણે ઠોકી બેસાડવામાં આવ્યું છે. જે અંગ્રેજોએ ભારતને સોનેરી ચીડિયા માથી... ભુખડી બારસ બનાવી નાખ્યું એવા લોકોએ આપડે આ નામ આપ્યું ( જોકે આપડે લીધું નથી ) છે ! વિશ્વમાં કદાચ આપડો એક જ એવો દેશ છે જેના ત્રણ ત્રણ નામો પ્રચલિત છે... હિન્દુસ્તાન ( સેક્યુલર લોકો ને ન ગમે પણ આ જ મૂળ ઓળખ છે આપડી ) ભારત અને ત્રીજું ઈંડિયા. એમાંથી આ ત્રીજા નામ ને રદબાતલ કરવાની એક યાચિકા સુપ્રીમ કોર્ટ માં દાખલ કરવામાં આવી છે... ! જો કે નામદાર સુપ્રિમ કોર્ટે આ બાબત માં નિર્ણય કરવાને બદલે સંસદ તરફ આ બાબત મોકલી આપી છે એટલે હવે આ બાબત અંગે લોકસભા અને રાજ્યસભા બન્ને ભેગા મળીને નિર્ણય કરી શકે કે આ બાબતમાં માથું મારવું જોઈએ કે નહિ ??? પણ મારું એવું માનવું છે કે આમાં પણ એક દાવ ખેલી લેવા જેવો ખરો !

હું તમને એક પ્રશ્ન પૂછું કે તમારી એવી કઈ વસ્તુ છે જેનો સૌથી ઉપયોગ બીજા લોકો કરે છે ??? વિચારો વિચારો ! વિચારી લીધું ??? શું વિચાર્યું ??? જવાબ છે "નામ" બરાબર ને ! તમારા નામનો સૌથી ઉપયોગ બીજા લોકો કરે છે તમને બોલાવવા માટે. આ નામ રાખવાની પ્રથા ખરેખર આપડા માટે નહિ પણ બીજા આપડે સરળતાથી બોલાવી શકે એટલા માટે કરવામાં આવી છે. બાકી આપડા આ દેહ નું કોઈ નામ જ ન હોઈ તો ??? કલ્પના કરી જુઓ કેવી સ્થિતિ સર્જાય ??? એના ઉપર ફરી ક્યારેક અલગથી લખવાનો પ્રયત્ન કરીશ ! અત્યારે મૂળ વાત ઈંડિયા વિરુદ્ધ ભારત ની છે.


આપડા વેદો માં પણ ભારત નો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે આપડા દેશ નું સૌથી જૂનું નામ આર્યવર્ત છે. અત્યારની ઇંગ્લિશ મીડિયમ વાળી પેઢીને તો આ નામ બોલવામાં પણ લોચા પડી જાય બોસ ! શરત મારવી ??? આજુબાજુમાં રહેતા કોક ઇંગ્લિશ મિડિયમ વાળા ની પરિક્ષા લઈ જુઓ ! જવાબ મને નો આપતા બસ !

આપડી સુપ્રીમ કોર્ટ પણ અજીબ છે, મહાકાલ માં શિવલિંગ પર પાણી કેટલું ચઢી શકે એ નક્કી કરી શકે, શબરી માલા માં મહિલા પ્રવેશ કરી શકે કે નહિ એ નક્કી કરી શકે, પણ ઈંડિયા નામ રદબાતલ કરવું કે નહિ એ નક્કી ન કરી શકે... એ મારા માટે થોડું અજીબ છે !

જે બંધારણ વારે વારે ખતરામાં આવી જાય છે ( મને તો ક્યારેય નથી લાગ્યું કે બંધારણ ખતરામાં આવી ગયું એવું શું તમને ક્યારેય લાગ્યું ???) એના અનુચ્છેદ ૧ માં જ કહેવામાં આવ્યું છે કે ઈંડિયા ધેટ ઈઝ ભારત ( ફરી વાંચો ભારત ) ! હવે જ્યારે બંધારણ માં જ આવું કહેવામાં સોરી લખવામાં આવ્યું છે તો પછી રાહ જોવાની કોઈ વાત ખરી ??? કરી નાખીએ એક વખત પછી જે થશે જોયું જશે !


ભારત એ કોઈ ચોક્કસ દેશ નથી. પણ જુદા જુદા રાજ્યોનો બનેલો ઘટક સમૂહ છે એ ભારત તરીકે ઓળખાય છે આવું હું નથી કહેતો હો ! આપડું બંધારણ જ આવું કહે છે. ભારત એ જીવતો જાગતો રાષ્ટ્ર પુરુષ છે ખાલી એક ભૂમિનો ટૂકડો માત્ર નથી ! સ્વર્ગસ્થ શ્રી અટલ બિહારી વાજપેયી ની કવિતાઓ ધ્યાન થી સાંભળજો તમને આ વાત વધુ સારી રીતે જાણવા મળશે ! નામ બદલવામાં આપડા સૌથી હોશિયાર એવા યોગી આદિત્યનાથ ના ધ્યાને આ વાત હજુ આવી નથી નહિ તો એ ક્યારના આ બાબતે સમગ્ર દેશમાં એક માહોલ સર્જી નાખત.

ભારત વિશે વિષ્ણુ પુરાણ માં એક શ્લોક છે જે આ મુજબ છે,
उत्तरं यत्समुद्रस्य हिमाद्रेश्चैव दक्षिणम् ।
वर्षं तद् भारतं नाम भारती यत्र संततिः ।।
 આ શ્લોક એવું કહે છે કે ઉત્તરમાં હિમાલયથી લઈને દક્ષિણ માં સમુદ્ર સુધી જે પણ ભૂમિ છે એ ભારત છે અને એ ભૂમિ પર વસતા તમામ લોકો ભારતવાસી છે

હવે આટઆટલી સાબિતી પછી હજુ કોઈ સાબિતી આપવી જોઈએ કે ઈંડિયા નામ રદ્દ કરીને ભારત કરી દેવું જોઈએ??? હું તો કહું છું આ કામ જેટલી જલદી થાય એટલું સારું કેમ કે નહિ તો વળી પાછી લોકસભાની ચુંટણી આવશે અને આ મુદ્દાને રાજકીય સ્વરૂપ આપી દેવામાં આવશે.

આમ પણ આપડા દેશમાં ચુંટણી લડવા માટે કોઈ પણ પાર્ટી પાસે મુદ્દાઓ ઓછાં અને ભ્રામક માન્યતાઓ અને એજન્ડા વધારે હોઈ છે એટલે આ કામ તાત્કાલિક પાર પાડી દેવું જોઈએ.

 પ્રજાની યાદ શક્તિ બહુ ઓછી છે એટલે ખાસ કોઈ ફેર પડવાની વાત નથી. પાંચ દસ પંદર દિવસ સુધી આ વાત ગાજશે મીડિયામાં પ્રાઈમ ટાઈમ માં ડીબેટો યોજવામાં આવશે અને એમાં નકરું જાહેર માં ઝહેર ઓકવામાં આવશે. જોકે હવે આપડી જનતાને પણ આવી બધી બાબતો માં રસ ઓછો છે એટલે એમને આ બાબત અંગે કોઈ ફેર ન પડે કે આપડા દેશનું નામ ભારત હોઈ હિન્દુસ્તાન હોઈ કે પછી ઈંડિયા હોઈ.

એક સામાન્ય માણસ તરીકે હું વિચારું તો મને શેની પડી છે ?? મારી નોકરી મારો ધંધો મારો રોજગાર મારો પરિવાર.... બસ આનાથી વિશેષ કોઈ વિચારતું નથી !  એક સારા અને સામાન્ય વ્યક્તિ તરીકે કોઈ આવી બધી ઝંઝટ માં કોઈ પડવા પણ ન ઈચ્છે. આવું બધું કામ અમારા જેવા લોકો ઉપાડે ! મને પણ ખ્યાલ છે કે આ બધું કહેવાથી કે કરવાથી કોઈને પણ ફેર નહિ જ પડે, પણ કદાચ એક બે લોકો પણ આ વાંચે અને સમજે તો મારો આ લખવાનો ઢસરડો લેખે લાગશે. હું જે આ બધું લખું છું એમાંથી કાણી પાઇ ની આવક પણ નથી, તોય લખાણ પટ્ટી નો શોખ છે એટલે લખતો રહું છું.

1 comment:

નામકરણ : આધુનિકતા થી મૂળ તરફ પ્રયાણ

અરે ઓ સાંભા કિતને આદમી થે?? આ સંવાદ સાંભળીને કોણ યાદ આવે ?? યસ એકદમ સાચું... ગબ્બર યાદ આવે ! જાની...... આ એક શબ્દ સાંભળી ને જોયા વગર કહી ...