Tuesday, July 21, 2020

" વેક્સિન આવી ગઈ 🤔 ??? "

જ્યારથી આ કોરોના આવ્યો છે, આમ જનતાનું તો જન જીવન બગડી ગયું છે ! ઘણા લોકોના ઘર ના બજેટ બગડી ગયા છે. અમારી નંદનવન સોસાયટીમાં જાત ભાત ના લોકો રહે, એમાંના એક બાવું કાકા ! મૂળ નામ એનું બાવન ભાઈ પણ બધા પ્રેમથી એને બાવુ કાકા કહે !

હું રોજ સ્કૂલે જવા નીકળું અને બાવું કાકા દૂધ લેવા નીકળે, સોસાયટી ના નાકા સુધી અમે બન્ને સાથે ચાલીને નીકળીએ પછી એ દૂધ લઈને પાછા નીકળે અને હું પકડું મારી સ્કુલ નો રસ્તો !

છેલ્લા બે દિવસથી બાવું કાકા બવ ચિંતા માં હતા. સાંજે હું શેરીમાં ખુરશી નાખીને બેઠો હતો, સાંજનું છાપુ વાંચતો હતો ત્યાં કાકા આવ્યા. મને કયે શું છે જાણવા જેવું ?? મે કીધું કાકા રેવા દો ને શું કરશો જાણીને, આ છાપાં વાળા જાણવા જેવું ઓછું અને ડરાવવા જેવું વધુ લખે છે ! આપડા ગુજરાત ની હાલત પણ ગંભીર છે ! રોજ રોજ મોતના આંકડા જોઈને ચક્કર આવી જાય છે !

આ સાંભળીને કાકા એ કીધું વાત તો સાચી છે હો બેટા ! તને શું લાગે આ કોરોના પર કાબૂ કેમ આવશે ? મે કીધું કાકા આ વાઇરસ ની કોઈ વેક્સિન શોધાય તો કાબૂ આવે, એ સિવાય કોઈ ઉકેલ નથી ! મે કીધું કાકા આમ પણ તમારી ઉમર હવે "વન" પસાર કરી ગઈ છે, તમારે આમ કામ વગર બાહર નો નીકળવું જોઈએ ! નીકળો તો મોઢે માસ્ક પહેરીને નીકળો અને દર એક કલાકે હાથ સાબુ થી વાંરવાર ધોતા રહો !

કોણ જાણે કેમ પણ કાકાને એક વસ્તુ મગજ માં બેસી ગઈ "વેક્સિન"... ! પછી તો જ્યારે મળે ત્યારે એક જ સવાલ પૂછ્યા કરે વેક્સિન આવી ગઈ??

કાકા ઘરે પહોંચ્યા એટલે એમની પુત્રવધૂ એ કીધું, "પપ્પા ચાલો જમવાનું બની ગયું છે હાથ પગ ધોઈ લો એટલે જમવા બેસીએ ! "

કાકા: એ બધું તો ઠીક પણ આ કોરોના ની વેક્સિન આવી ગઈ ?

રાત્રે સૂતી વખતે દીકરાએ કીધું પપ્પા હવે કામ વગર બહાર નહિ જવાનું. જે કામ હોઈ મને કહી દેવાનું.

કાકા: એ બધું તો ઠીક પણ આ કોરોના ની વેક્સિન આવી ગઈ ??

રાત્રે સૂતી વખતે પૌત્રો રમવા આવ્યો અને કહે, ચાલો દાદા આજે મસ્ત વાર્તા કહો !

કાકા: બકુડા એ બધું તો ઠીક પણ એ કહે આ કોરોના ની વેક્સિન આવી ગઈ ?

બીજે દિવસે સવારે મુકલો છાપાં વાળો આવ્યો, કેમ છો કાકા મજા માં ને ? આજે કેમ વહેલા વહેલા બાલ્કની માં આવી ગયા ??

કાકા: એ બધું તો ઠીક પણ આ કોરોના ની વેક્સિન આવી ગઈ ??

કાકા દૂધ લેવા નીકળ્યા અને હું પણ આજે દૂધ લેવા નીકળ્યો કેમ કે સ્કુલમાં પણ હવે રજા પડી ગઈ હતી. મે કીધું આવો કાકા આજે તો સાથે સાથે દૂધ લેવા જાય.

કાકા: એ બધું તો ઠીક પણ આ કોરોના ની વેક્સિન આવી ગઈ ??

દૂધની ડેરી પર પહોંચ્યા એટલે જયેશ ભાઈ એ કીધું કાકા કેમ છો મજા માં ને ??

કાકા: એ બધું તો ઠીક પણ આ કોરોના ની વેક્સિન આવી ગઈ  ??

ઘરે પાછા ફરતી વખતે રસ્તામાં ગુમાન સિંહ મળ્યા એટલે એમણે પણ વિવેક ખાતર કીધું જય માતાજી કાકા કેમ છો ?

કાકા: એ બધું તો ઠીક પણ આ કોરોના ની વેક્સિન આવી ગઈ ??

ઘર પાસે પહોંચ્યા એટલે રમેશ રિક્ષા વાળો મળ્યો એણે પણ કીધું ગુડ મોર્નિંગ કાકા દૂધ લઇ આવ્યા ??

કાકા: એ બધું તો ઠીક પણ આ કોરોના ની વેક્સિન આવી ગઈ ??

બે દિવસમાં તો આખી સોસાયટી કાકા ના એક જ સવાલ " એ બધું તો ઠીક પણ આ કોરોના ની વેક્સિન આવી ગઈ ?? " થી ત્રાસી ગયા. કાકાને આ એક જ સવાલ નું રટણ વેક્સિન આવી ગઈ ?? હવે તો એના ઘરના લોકો પણ કંટાળ્યા ??

કાગ નું બેસવું ને ડાળ નું ભાંગવું એક રાત્રે કાકાને હ્રદય રોગ નો હળવો એવો હુમલો આવ્યો ! તરત જ ૧૦૮ ને ફોન લગાવી કાકાને હોસ્પિટલ માં મોકલવામાં આવ્યા ! કાકા આમ તો હોશ માં જ હતા, બબડતા હતા વેક્સિન આવી ગઈ ??

ડોકટરે તરત જ બીપી ચેક કર્યું પછી તરત પૂછ્યું, કાકા રાત્રે જમવામાં શું લીધું હતું ?

કાકા: એ બધું તો ઠીક પણ આ કોરોના ની વેક્સિન આવી ગઈ ??

ડોકટર: એ બધું અમારા પર મૂકી દો જમ્યા શું હતા રાત્રે એ કહો ??

કાકા: એ બધું તો ઠીક પણ આ કોરોના ની વેક્સિન આવી ગઈ ??

ડોકટર: કાકા તમને ડાયાબિટીસ છે ??

કાકા: એ બધું તો ઠીક પણ આ કોરોના ની વેક્સિન આવી ગઈ ??

ડોકટર નો ખુટો છટક્યો, અને ગુસ્સામાં કીધું આને ગ્લુકોઝ નો બાટલો ચડાવીને ઘરે મોકલી દયો નહિતર હું પાગલ થઈ જવાનો ! 🤣🤣🤣

ખરેખર કાકા એ આખી સોસાયટી માથે લીધી હતી હવે તો કાકા રસ્તામાં દેખાય તો બધા રસ્તા બદલી નાખતા.

આખરે એ દિવસ આવી જ ગયો, હું સાંજે યુટ્યુબ માં ખાખાં ખોરા કરતો હતો ત્યારે અચાનક એક સમાચાર આવ્યા, " રશિયા એ બનાવી કોરોના ની વેક્સિન : હ્યુમન પર ટ્રાયલ ચાલુ " હું હળી કાઢતો કાઢતો ગયો તરત બાવું કાકાને ઘરે !

મેં કીધું કાકા બ્રેકિંગ ન્યુઝ આવ્યા ! એટલે તરત જ કાકાએ સવાલ નું તીર છોડ્યું, " એ બધું તો ઠીક પણ આ કોરોના ની વેક્સિન આવી ગઈ ? "

મે કીધું હા કાકા એટલે તો તમને બતાવવા આવ્યો જુઓ આ સમાચાર. રશિયા એ વેક્સિન બનાવી નાખી હો બાકી !

કાકા બોલ્યા વાહ અમિત્યા વાહ આજે સારા સમાચાર મળ્યા હો મને બવ મજા આવી ગઈ !

પણ હજી હું બીજું કય કવ એ પેલા કાકાએ પાછું પૂછ્યું " એ બધું તો ઠીક પણ આ કોરોના ની વેક્સિન આવી ગઈ ? " 🤔🤔🤔🤔

હું તરત ભાગી જ ગયો, ચપ્પલ પહેરવા પણ ન રોકાયો ! 🏃‍♂️

Saturday, July 18, 2020

" હું હજી જીવતો છું ! "

દરેડ નામનું નાનકડું ગામ. આ ગામ માં દર વર્ષે મેળો આવે, મેળો તો આવે પણ રામ નારાયણ ના ઘરમાં કંકાશ લાવે ! એની કંકાસ નું એક જ કારણ એનો એક નો એક દીકરો અજયકુમાર. જેવો મેળો આવે એટલે અજયકુમાર ની જીદ ચાલુ થાય મારે "બંદૂક" લેવી છે ! દર વર્ષે બંદૂક લઈને ઘરમાં એટલી બંદૂકો ભેગી થઈ ગયેલી કે જાણે કોઈ રાઈફલ શૂટિંગ નું કોચિંગ સેન્ટર ચાલતું હોય !

દર વર્ષે રામ નારાયણ દીકરાને સમજાવે કે બેટા આટલી બંદૂકો તો ભેગી કરી ! કબાટ ખોલીએ તો બંદૂક નીકળે, માળિયું સાફ કરી તો બંદૂક નીકળે, પલંગ નીચે કચરો વાળી તો બંદૂક નીકળે ! ટુંકમાં વસ્તુ રાખી શકાય એવી બધી જગ્યાએથી બંદૂક નીકળે નીકળે અને નીકળે જ ! નાનું એવું ઘર અને એમાં માણસો કરતાં બંદૂક વધારે !

રામ નારાયણ પોતે બાપ દાદાનું બનાવેલું મંદિર સાચવતા ! મંદિર ની કોઈ ખાસ આવક નહોતી, પણ ત્રણ જણનું ગુજરાન ચાલે એટલું ભક્તો તરફથી મળી જતું ! ઘણા ભક્તો મહિને રાશન પૂરું પાડતા, તો કોઈક વળી એના દીકરાની ફી ભરી આપતું, તો કોઈ વળી એને લાઈટ બીલ ભરી આપતું ! આમ ઉપરવાળાની દયાથી બધું ચાલતું !

મંદિર માં ખાસ કોઈ રોકડ આવક તો થતી નથી ! પણ શ્રાવણ મહિનો આવે એટલે ભક્તોનું ઘોડાપૂર આવે ! આ એક મહિનો રામ નારાયણ માટે થકાવી નાખે એવો ! આ એક મહિનો એમની પત્ની નિર્મલા માટે પણ કામ થી ભરપુર !

અજયકુમાર ને બાળપણ થી જ બંદૂક સાથે પ્રિય લગાવ. ટીવી માં પણ પોલીસ અને આર્મી ની કોઈ સિરિયલ આવતી હોઈ તો જોવાનું ચૂકે નહિ ! એના લખવાના ચોપડા ખોલો તો પણ એમાં બંદૂક દોરેલી જોવા મળે ! ઘર માં જ્યાં પણ કોરી દીવાલ દેખાય એ દીવાલ પર "જય હિન્દ" , "વંદે માતરમ્" , "ભારત માતા કી જય" આવા દેશભક્તિ ના નારાઓ લખેલા જોવા મળે !

ઘણી વખત નવરાશ ના સમય માં રામ નારાયણ વિચારતા કે એક નો એક દીકરો છે, અને આ મંદિર માં રસ લેવાને બદલે બંદૂક માં રસ લે છે ! શું કરવું આનું ??? એની આ ચિંતા એમની પત્ની નિર્મલા પણ જાણતી હતી, પણ એ એક જ જવાબ આપે, હજી નાનો છે અજય. શું કામ અત્યારથી એને મંદિર ના કામ માં રસ લેતો કરવો ??? એ મોટો થશે એટલે આપમેળે સમજી જશે !

આમ ને આમ વર્ષો વીતતા ચાલ્યા ગયા. ૧૨ પાસ કરીને અજય કુમાર એ સરકારી વિનયન કોલેજ માં એડમીશન પણ લઇ લીધું ! હવે બંદૂક નું સ્થાન બુક્સ એ લઈ લીધું હતું ! કોલેજ ની સાથે સાથે અજયકુમાર ભવિષ્યમાં સરકારી નોકરી કરવાના લક્ષ્ય સાથે આગળ વધતા જતા હતા.

એક દિવસ અખબાર માં જાહેરાત વાંચી, "આર્મી નો ભરતી મેળો ધો. ૧૨ પાસ યુવાનો માટે" ! બાળપણ થી જેની નસે નસ માં રાષ્ટ્રભક્તિ દોડતી હોઈ એ તો આવા સુવર્ણ અવસર ની રાહ જ જોતા હોઈ ! ઘરમાં માતા પિતાને જણાવ્યા વગર જ અજય કુમાર નીકળી પડ્યા ભરતી ની પ્રક્રિયા માં ભાગ લેવા !

ભરતી ની બધી પ્રક્રિયામાં પાસ થઈ ને ઘરે આવીને જમતી વખતે કીધું, પપ્પા ! હું તમને એક વાત કહેવા ઈચ્છું છું ! મહેરબાની કરીને ગુસ્સો ન કરતા !

પિતા રામ નારાયણ ભવિષ્ય નું એંધાણ પારખી ગયા હતા એટલે બહુ ઠંડા દિલથી કીધું, બોલ ! શું કહેવું છે ??
પપ્પા હું આર્મી માં જવા માંગુ છું ! તમે મંજૂરી આપશો ને ???

રામ નારાયણે કીધું, બેટા ! તે નક્કી કરી જ લીધું છે દેશ સેવા કરવાનું તો અમે તને રોકવા વાળા કોણ ??? માતા નિર્મલા એ પણ દુઃખી સ્વરે કીધું ક્યારે જવાનું છે દીકરા ??? અજય કુમારે કીધું ! બસ ત્રણ દિવસ પછી દહરે દુન ખાતે ૬ મહિના ટ્રેનિંગ અને પછી પહેલું પોસ્તિંગ મળશે !

તાલીમ માં અજયકુમાર ની નિશાને બાજી માં કુશળતા જોઈને એમને "સોલ્જર" તરીકે પસંદ કરવામાં આવ્યા ! અને પહેલું પોસ્ટીંગ મળ્યું જમ્મુ કાશ્મીરના કુપ વાડા સેકટર માં ! આ ક્ષેત્ર આંતકવાદીઓની મજબૂત પકડ વાળું હતું !

દર સપ્તાહ માં બે થી ત્રણ જવાનો અહી શહીદ થતા ! અત્યાર સુધી ક્યારેય છાપુ ન વાંચતા રામ નારાયણ હવે દીકરા ની માહિતી જાણવા રોજ અખબાર વાંચતા !

ઘરે રોજ ફોન કરવામાં તકલીફ પડતી એટલે અજય કુમારે પોતાના પહેલા જ પગાર માથી સારી એવી કંપની નો ફોન લઈને ઘરે મોકલ્યો હતો ! રામ નારાયણ અને નિર્મલા બહેન ને ફોન માં કશી ગતાગમ ન પડે એટલે આજુ બાજુ માં રહેતા પાડોશીને બોલાવીને અજય કુમાર ને ફોન લગાવે અને પોતાની વાત ચીત કરે !

એક દિવસ કુપવાડા સેકટર ૪ ની છાવણી પર આંતકવાદીઓએ ઓચિંતો હુમલો કરી દીધો ! જેમાં ૧ મેજર અને ૭ જવાનો ઘાયલ થયાં હતાં ! ૩ જવાનો શહીદ થયા હતા ! આ ઘટના ના તાજાં સમાચાર ટીવી પર આવતા હતા એટલે પાડોશીઓએ રામ નારાયણ અને નિર્મલા બહેન ને બોલાવીને સમાચાર બતાવ્યા ! સમાચાર જોઈને નિર્મલા બહેન હતપ્રભ થઈ ગયા ! ત્યાં જ ટીવી પર જે ૩ જવાનો શહીદ થયા એમના નામ આવ્યા જેમાં એક નામ હતું "ત્રિપાઠી અજયકુમાર રામ નારાયણ" જેવું આ વાચ્યું એટલે નિર્મલા બહેન બેહોશ થઇને ઢળી પડ્યા !

સૈનિક હોસ્પિટલ માં પણ ટીવી ચાલુ જ હતું અજય કુમાર પણ સમાચાર જોઈ રહ્યા હતા. એમને આ ખોખલી ન્યુઝ ચેનલ જોઈને હસવું આવ્યું, કેમ કે ન્યુઝ વાળાઓ પૂરતી માહિતી વગર જ ટી.આર.પી વધારવા કોઈ પણ પ્રકારની સચોટ માહિતી વગર સમાચાર બતાવતા હોઈ છે !

આ ઘટનાની ઘરે કેવી અસર પડી હશે એનો તાગ મેળવીને અજય કુમારે તરજ જ ઘરે ફોન કર્યો, તરત જ રામ નારાયણ એ ફોન ઉપાડ્યો એટલે અજય કુમારે કીધું, પપ્પા મમ્મીને કહેજો, " હું હજી જીવતો છું ! "

Thursday, July 16, 2020

ચીને સરહદ પરથી પાછા હટાવ્યા કદમ ! ભારતની કૂટનીતિક જીત ! હવે આગળ શું ???

ચીન વિશે વિસ્તૃત ચર્ચા આગળની એક પોસ્ટમાં કરેલી જ છે ! મે ત્યારે પણ કહ્યું હતું અને ફરી પાછું કહું છું કે, ચીન ભારત સાથે ક્યારેય આરપાર ની લડાઈ નહિ કરે નહિ કરે અને નહિ જ કરે ! ચીન આ બધા છમકલા અને અડપલાં એટલા માટે કરે છે કે વૈશ્વિક મીડિયામાં એની કોરોના ને લીધે થયેલી બદનામી માથી એને મુક્તિ મલે !

૨૦૧૪ પહેલા  આપડા સૈન્ય ના હાથ દિલ્લી સરકારે બાંધી રાખ્યા હતા એટલે જ ચીન આપડી સામે ગમે ત્યારે આંખ બતાવીને દબાવવાની કોશિશ કરતું હતું ! અને ખીચડી સરકાર માત્ર સતા પોતાના હાથ માંથી ન જાય એ માટે કોઈ કઠોર કદમ ન ઉઠાવતી હતી ! દેશ લૂંટાઈ જાય તો ભલે જાય, પણ સતાં હાથમાંથી ન જવી જોઈએ આવી માનસિકતા એ જ દેશ ને ખોખલો કરી નાખ્યો હતો !!

ચીન ની આર્મી પી.એલ.એ ક્યારેય વિચાર્યું નહોતું કે ભારતીય જવાનો આ વખતે આવો જડબા તોડ જવાબ આપશે !

આ બધી બાબતોને ધ્યાનમાં લઈને ભારતના પ્રધાન સેવક એવા મોદીજી લડાખ માં જાય છે અને ત્યાં સૈનિકોને સંબોધન કરે છે !! આનાથી એક સ્ટ્રોંગ મેસેજ દુનિયામાં એ ગયો કે ભારતના પ્રધાનમંત્રી અત્યારે આ બાબત પ્રત્યે સજાગ છે, અને કોઈ પણ સંજોગોમાં નમતું જોખશે એવું લાગતું નથી !

બીજો મેસેજ એ ગયો કે અત્યારે શી જિનપિંગ ક્યાં છે ??? જો એમનો દાવો સાચો હોઈ તો તેઓ કેમ મીડિયામાં આવીને સંબોધન કરતા નથી ??? એટલે એ વાત તો સાફ થઈ ગઈ કે ગલવાન વેલી માં જે થયું એ ચીન નું નાપાક ષડયંત્ર જ છે ! અને આ વાતથી ચીન ની જ છબી ખરડાઈ છે !

બીજી જોવાની અને ધ્યાને લેવાની બાબત એ છે કે આપડે એ વાતનો સ્વીકાર કર્યો કે હા ભારતના ૨૦ જેટલા જવાનો શહીદ થયા અને એમના અંતિમ સંસ્કાર શોર્ય અને વીરતાપૂર્વક કરવામાં આવ્યા ! જે ૨૦ જેટલા જવાનો શહીદ થયા એમના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે !!

સામે પક્ષે ચીન એ શું કર્યું ?? ચીન એ તો આ વાત માનવા સુદ્ધાં નો ઇનકાર કરી દિધો ! અને જે સૈનિકો શહીદ થયા એમના નામ પણ ત્યાંની જનતાને નથી જણાવ્યા ! અને આ વાતથી ચીનના નાગરિકો અને પૂર્વ સૈન્ય અધિકારીઓમાં ખૂબ જ આક્રોશ છે ! તેમનો મત છે કે ભારતના લોકો તેમના સૈનિકોનું આટલું સનમાન કરતા હોઈ તો આપડે કેમ આપડા સૈનિકોના બલિદાન ને બિરદાવી શકતા નથી ???

આજથી બે ત્રણ મહિના પહેલા કોઈ એ વિચારી પણ ન્હોતું શકતું કે ચીન સામે કોઈ દેશ અવાજ ઊંચો કરીને વાત પણ કરી શકે છે ! ભારતીય તરીકે આપણે આ બાબત પર ગર્વ લેવો જોઈએ !!

અને ભારતે આ અવાજ ઊંચો કરવાની કોશિશ કરી પછી જ અમેરિકા ભારતની મદદ કરવા માટે હરકત માં આવ્યું ! અમેરિકાએ ભારતને આપ્યા B-52 બોમ્બર વિમાન, એ સિવાય યુ એસ એસ રોનાલ્ડ રેગન યુદ્ધ વિમાન વાહક જહાજ સાઉથ ચાઇના સી માં તૈનાત કર્યા, સાથે સાથે યુ એસ એસ રૂઝવેલત જહાજ પણ મોકલ્યું ! સાથે સાથે ઓસ્ટ્રેલિયા અને જાપાન નેવી એ પણ ભારતને મદદ કરી છે !

ભારતે ચીન ની ૫૯ જેટલી એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો તો લોકોએ કહ્યું આમાં શું તીર માર્યું ?? બે દિવસ પહેલા અમેરિકા કા સેક્રેટરી ઓફ સ્ટેટ એવા માઇક પોમ્પી એ નિવેદન આપ્યું કે અમેરિકા પણ ભારતની જેમ ચીન ની એપ્સ પર પ્રતિબંધ મૂકવાનું વિચારે છે ! જે અમેરિકા વિચારે છે, એ વિચારો પાછળ યુરોપ પણ ચાલે છે એટલે હવે ત્યાંથી પણ પ્રતિબંધ લાગશે ! વિશ્વ હવે ચીન વિરુદ્ધ એકત્રિત થઈ રહ્યું છે ! અને આ મુહિમ ની શરૂઆત કરી છે ભારતે !

વિશ્વ આખામાં ડિજિટલ દુનિયા માં સોફ્ટવેર અને હાર્ડવેર માં ચીન પોતાના જે મૂળિયાં નાખવાની કોશિશ કરી રહ્યું હતું એ કોશિશ ના મુળિયા જળ મૂળમાંથી ઉખાડવા જેવું અઘરું કામ ભારતે કર્યું છે ! આ બદલ કેન્દ્ર સરકાર અભિનંદન ને પાત્ર છે !

જે લોકો લાલ પીળા વાળ કરીને કે પછી સ્કરટ પહેરીને મુજરા કરતા હતા એવા મુજરા લાલ લોકો માટે હવે ભારતીય એપ્સ આવશે ! એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી ! અમુક લિબ્રાંડું લોકોએ દલીલ કરી કે ટિક્તોક એ પી.એમ કર ફંડ માં 30 કરોડ નું ફંડ આપ્યું હતું, તો એમને માલૂમ થાય કે હે ચાટુકારો આ ભારતના જ પૈસા હતા, અહીંના લોકોના કન્ટેન્ટ પર જ એ લોકો નફો કમાયા હતા એમાંથી નાનો એવો ટુકડો દાન માં આપ્યો છે !

ટિકતોક માં સારા લોકો પણ છે, પણ આ લોકો આંગળીના વેઢે ગણી શકાય એટલા જ છે એટલે હું બધા લોકોને મુજરા લાલ નથી કહેતો ! જે લોકો પોતાના કન્ટેન્ટ ના માધ્યમ થી સાવ બીભત્સ કે વાહિયાત કન્ટેન્ટ રિલીઝ કરે છે એમને જ હું મુજરા લાલ કહું છું !

આ બાબત પર ચીનનું વિદેશ મંત્રાલય રોદણાં રોવે છે કે અમે ફંડ આપ્યું હતું ! ભાઈ અમારા જ પૈસા અમને આપ્યા હતા, આ કઈ ચાઇનીસ પૈસા નહોતા ! અમે તમારી એપ પર પ્રતિબંધ પણ મુકીશું, અમારા પૈસા પણ લઈશું અને તમે અમારો કશું નહિ ઉખાડી શકો !

આપડે ચીન ને આર્થિક રીતે બરબાદ કરવું હશે તો આપડે એવા દેશો ને સપોર્ટ કરવો પડશે જે ચીન સામે અવાજ ઉઠાવી શકે છે ! તિબેટ, હોંગકોંગ, તાઇવાન, બરમાં આ બધા દેશો ને આપડે જે જોઈએ એ મદદ પૂરી પાડવી પડશે !

તમે ફરવા માટે જવું જ હોઈ તો આવા દેશ માં ફરવા જાવ જેનાથી ત્યાં ટુરિઝમ વિકસે અને ત્યાંની ઇકોનોમિક ઉપર ઉઠે ! વિદેશ માં ફરવા કરતા આવા નાના દેશોમાં વેકેશન ગાળવા જાવ જેથી ત્યાં પ્રવાસન ઉદ્યોગ ને વેગ મળે !!

ચીન અત્યારે તો પાછળ ચાલ્યું ગયું છે પણ ફરી પાછું અવળચંડાઈ તો કરશે જ એની મને ખાતરી છે ! કેમ કે કૂતરાની પૂંછડી વાંકી તે........!

ચીન વિશે ની મારી આગળ ની પોસ્ટ વાંચવા નીચેની લીંક પર ક્લિક કરો 👇
https://amitgiri95.blogspot.com/2020/07/blog-post_2.html?m=1

તમારા પ્રતિભાવો કૉમેન્ટમાં જણાવજો !

Wednesday, July 15, 2020

પ્રશ્ન ખૂબ સુંદર પૂછ્યો છે કે કોઈ નિરાશ વ્યક્તિને આત્મહત્યાના વિચારોથી દૂર કરવા શું કરવું જોઈએ??? ( પ્રતિલિપિ )

જવાબ: અત્યારે 4G અને 5G નો સમય ચાલી રહ્યો છે ! માણસ પાસે ધીરજનું તત્વ ખૂટી ગયું છે. એક એ સમય હતો જ્યારે બધા મિત્રો રાત્રે ૯ કે ૧૦ વાગ્યે સોસાયટીમાં કે રાત્રે પાનની અથવા ચા ની લારી પર બેસીને ટોળટપ્પા કરતા હતા. જો કોઈ મિત્ર એક દિવસ ન દેખાય તો તરત એ વ્યક્તિને ફોન કરીને એનાં કુશળ શેમ પૂછવામાં આવતા હતા, અથવા મિત્રો એમના ઘરે જાઇને તપાસ કરતા હતા કે બધું ઠીક તો છે ને, પણ આ વ્યવસ્થા હવે ભૂતકાળ બની ચૂકી છે ! અત્યારે કોઈ મિત્રો રાત્રે ભેગા નથી થતા. કારણ શું ? ચર્ચા કરવા માટે હવે રૂબરૂ મુલાકાત ની જરૂર નથી, આ કામ હવે ફેસબુક અને વોટ્સએપ જેવા માધ્યમોની મદદથી ઘર બેઠા પતાવી શકાય છે. મિત્રોને મળીને જે હૂંફ અને પ્રેમ મળે, એવો સાચો પ્રેમ આ તકલાદી સોશ્યલ મીડિયામાં મળતો નથી ! આ વાત જેટલી જલદી સમજી શકાય એમ સમજવાની જરૂર છે ! રાત્રે જે મિત્રો ભેગા થાય છે એમાં કોઈ મિત્રનું મૂડ ઓફ હોઈ કે પછી એ નિરાશ દેખાય તો તરત જ એના મિત્રો એની સમસ્યા નું સમાધાન કરવા માટે હાજર જ રહેતા. પણ હવે મિત્રોને ભેગા મળવાની સિસ્ટમ જ નાબૂદ થઇ ગઈ છે, પરિણામે મનનો ઊભાર કોની પાસે ઠાલવવા જવું ? મિત્રો હતા તો એમના ખભે માથું રાખીને રડી પણ શકાતું. પણ હવે કોના ખભા નો સહારો લેવો ???

કોઈ પણ માણસ આત્મહત્યા અચાનક નથી કરી લેતો, આત્મહત્યા કરવા પાછળ એ ઘણા બધા દિવસોથી વિચાર કરતો હોઈ છે. ઘણા બધા દિવસોથી એક નો એક વિચાર કર્યા રાખવાથી પછી એક દિવસ એવો પણ આવે છે જ્યારે એ વિચાર ને વાસ્તવિક સ્વરૂપ મળે છે. એવું કહેવાય છે કે આત્મહત્યા કરવાની ૧૦ મિનિટ પહેલા નો સમયગાળો આત્મહત્યા કરનાર વ્યક્તિનો ખૂબ જ ઝંઝાવાત ભર્યો હોય છે ! આ ૧૦ મિનિટ માં કોઈ એવી વ્યક્તિ એની સાથે વાર્તાલાપ કરે કે જે એને માનસિક રીતે મજબૂત બનાવે તો ૭૦% કેસોમાં વ્યક્તિને આત્મહત્યાના માર્ગે પરથી પાછો વાળી શકાય છે !

પણ અત્યારે જે પ્રમાણે એકલા રહેવાની સિસ્ટમ સમાજમાં પ્રસ્થાપિત થઈ ચૂકી છે એ જોતા હવે રૂબરૂ મુલાકાત નું વર્ચસ્વ સાવ મૃતઃ પ્રાય અવસ્થામાં ચાલ્યું ગયું છે એવું કહીશ તો પણ ચાલશે. એક સમય હતો જ્યારે બેસતું વર્ષ આવે એટલે આપણા સગા સંબંધીઓ અને અંગત મિત્રો આપણા ઘરે આવતા ! આજે શું હાલત છે ?? ફોન પર સાલ મુબારક કહેવાય જાય છે, બહુ બહુ તો ફેસબુક અને વોટ્સએપ પર હેપ્પી ન્યુ યર વાળા સ્ટીકર મોકલી દેવાય છે. પરિણામે જે હૂંફાળો ટચ મળતો હતો એ હવે મળતો નથી !

આત્મહત્યા કોઈ પણ વ્યક્તિ કરે છે એનું મૂળ કારણ છે એ વ્યક્તિની એકલતા. કોઈ પણ વ્યક્તિ જો લાંબા સમયથી એકલો રહેતો કે રહેતી હોઈ તો એના આત્મહત્યા કરવાના ચાન્સ સામાન્ય વ્યક્તિ કરતાં ખૂબ વધુ છે. એટલે સૌ પ્રથમ તો આપણે આપણા મિત્રોની માનસિક સ્થિતિ તપાસવી પડશે. જો કોઈ ખૂબ ઉદાસ કે માનસિક રીતે સ્વસ્થ ન લાગે તો એને મનોચિકત્સકની સારવાર કરાવવા માટે પણ મનાવવા પડશે ! આપણા સમાજમાં એક એવી ખોટી માન્યતા છે કે મનોચિકત્સકની સારવાર લેશું એટલે લોકો આપણે "ગાંડા" ગણશે ! અરે ભાઈ લોકોને જે કહેવું હોઈ એ કહે, તમે તમારું જૂઓને લોકો તો કહેવા માટે જ બન્યા છે, એ તો તમે કશું કરશો તો પણ કહેશે, અને કશું નહિ કરો તો પણ કહેવાના જ. એટલે તમે લોકોની ચિંતા છોડો અને તમારી ચિંતા કરો. જો સમયસર સારવાર કરવામાં આવે તો માણસના આત્મહત્યાના વિચારો થી એને દૂર કરી શકાય છે. તો આ હતું મારું મંતવ્ય !!

Tuesday, July 14, 2020

ખંત, ખમીર અને ખુમારી જેના લોહીમાં હોય ને આશરા ધર્મ જીવંત રાખવા હિટલર જેવા રાક્ષસની દુશ્મની વહોરનાર હાલારના રાજાની એક વિસરાયેલી શૌર્ય ગાથા

વ્યક્તિ વિશેષ ના પહેલા અંક માં આપણે ભારતના પાંચમા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજિત ડોભાલ સાહેબ ને મળ્યા ! આજના આ વિશેષ અંક માં આપણે મળીશું જામનગર ના એક એવા રાજાને જેણે બીજા વિશ્વ યુધ્ધ ના સમય માં પોલેન્ડ ના બાળકોને "બાપ" બનીને સાચવ્યા હતા ! અને આ વાતની સાબિતી આજે જામનગર નજીક  બાલા ચડીમાં આવેલી સૈનિક સ્કુલ આપે છે !! વ્યક્તિ વિશેષ માં એવા વ્યક્તિ ને રજૂ કરવાનો પ્રયાસ છે કે જેના પરાક્રમો ઇતિહાસ માં ક્યાંક છુપાઈ ગયા છે જેને મારે ઉજાગર કરવા છે !!

તો વાત છે ૧ સપ્ટેમ્બર ૧૯૩૯ ની જ્યારે જર્મન સેનાએ પોલેન્ડ પર આક્રમણ કરી દીધું, આ બીજા વિશ્વ યુધ્ધ ની શરૂઆત હતી ! ૧૭ સપ્ટેમ્બર ૧૯૩૯ ના રોજ પોલેન્ડ ના બચેલા હિસ્સા પર સોવિયત સંઘ ( હાલનું રશિયા ) એ હુમલો કરી દીધો ! આક્રમણકારો નો ઈરાદો એ હતો કે પોલેન્ડ નું નામ વિશ્વ ના નકશા માથી હંમેશા હંમેશા માટે ગાયબ થઈ જાય !

જર્મન અને સોવિયત સંઘ ના સૈનિકોએ પોલેન્ડ ના નાગરિકો પર દમન શરૂ કરી દીધું ! નિશસ્ત્ર નાગરિકો ને પરાણે આંતકવાદી ઘોષિત કરવામાં આવ્યા તેમના પર અમાનવીય અત્યાચાર ગુજારવામાં આવ્યો, મજૂરો ની જેમ ગુલામી કરાવવામાં આવી, અને અહીંના નાગરિકો ને સોવિયત સંઘ ના દુર્ગમ વિસ્તારોમાં વસવાટ કરવા માટે મજબૂરી થી મોકલવામાં આવ્યા !

જે લોકો કેદમાંથી છૂટયા એમની પાસે પણ વસવાટ કરવા માટે કોઈ ઘર ન્હોતું, તેમની સંપત્તિ પણ ન બચી હતી ! વિચારો કેવી ભયાનક પીડા હશે પોલેન્ડ ના લોકોની ! હું આ લખું છું તો પણ મને એક ક્ષણ માટે ધ્રુજારી આવી જાય છે ! ભયનું એક લખલખું શરીર માથી પસાર થઈ જાય છે ! આંખ બંધ કરીને આ દ્રશ્ય ને મહેસૂસ કરવાની કલ્પના કરી જુઓ, તમારી આંખ ખુલી જશે !!

પણ આવા આ ક્રૂર અને ખોફનાક સમયમાં પણ અમુક એવા દેશો હતા જે દરિયાદિલી દેખાડવામાં પાછા પડે એવા નહોતા ! પોલેન્ડના લોકોને વસવાટ કરવા માટે ઘણા દેશોએ પોતાના સરહદી રસ્તાઓ ખોલી નાખ્યાં હતાં ! એમાંનું એક હતું "નવાનગર સ્ટેટ" જે હાલ જામનગર તરીકે ઓળખાય છે ! અને જેને હું મારું "જોરદાર જામનગર" કહું છું !

અને આવી દરિયાદિલી દાખવનાર હતા જામ દિગ્વિજયસિંહ જી ! જેમણે પોલેન્ડ ના લગભગ લગભગ ૧૦૦૦ લોકો ને "બાપ" બનીને સાચવ્યા હતા ! આ લોકોને એક છતર પૂરું પાડ્યું હતું, એમણે આ બાળકોની અને એમના ભવિષ્ય ની ચિંતા કરી હતી ! આવી દરિયાદિલી છે મારા "જામનગરના જામસાહેબ ની !"



ક્ષત્રિય ધર્મ શું છે ??? એ જાણવું હોઈ તો તમારે આ ઘટના ફરજીયાત પણે જાણવી જ પડે ! આ ઘટના વિશે ભારત અને ગુજરાત માં પણ બહુ લખાયું કે ચર્ચાયું નથી ! મારો નાનકડો પ્રયાસ છે કે આ વાત ને દરેક ગુજરાતી અને ભારતવાસી સુધી પહોંચાડી જેથી લોકોને ખ્યાલ આવે કે ખરેખર ક્ષત્રિય ધર્મ શું છે ???



 જામ રણજીતસિંહ ના પુત્ર ( જામ રણજીતસિંહ કોઈની ઓળખાણ ના મોહતાજ નથી આજે પણ ભારતમાં જેના નામ પર રણજી ટ્રોફી રમાય છે એ મારા જામનગર ના રાજા ) એવા જામ દિગ્વિજયસિંહ નો જન્મ તા. ૨૮ સપ્ટેમ્બર ૧૮૯૫ માં થયો હતો અને ૭૦ વર્ષની વયે બોમ્બે માં ૨ માર્ચ ૧૯૬૬ ના રોજ અવસાન થયું હતું !

આજે જામનગર માં જ્યાં જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી આવેલી છે એ શાળા નું નામ પણ "શ્રી દિગ્વિજયસિંહ જી ન્યુ સરકારી હાઇસ્કુલ" છે ! અને મને ગર્વ છે કે મે મારા શાળાકીય જીવનના ૩ મહામૂલા વર્ષ (ધોરણ ૮/૯/૧૦) આ શાળા માં ભણીને વિતાવ્યા છે એટલે આ શાળા સાથે દિલથી લગાવ છે !

વર્ષ ૨૦૧૬ માં આ ઘટનાને ૫૦ વર્ષ પૂરા થયા હતા. પોલેન્ડ ના લોકો આજે પણ ગર્વથી કોઈ ભારતીય વ્યક્તિ ને યાદ કરતા હોઈ તો એ છે મારા જામનગરના "જામ દિગ્વિજસિંહ" !

જ્યારે બીજા વિશ્વયુદ્ધ વખતે જર્મન અને સોવિયત સંઘના સૈનિકો એ પોલેન્ડ પર આક્રમણ કરી દીધું ત્યારે પોલેન્ડની  ૫૦૦ મહિલા અને ૨૦૦ બાળકો ભરેલું એક જહાજ દરિયામાં ભાગવા લાગ્યું પોતાના નાગરિકો નો જીવ બચાવવા માટે ! આ જહાજ ના કેપ્ટન ને આદેશ આપવામાં આવ્યો કે જહાજ ને કોઈ પણ દેશ માં લઇ જાવ જ્યાં આ સ્ત્રી અને બાળકોને શરણ મળે !


૭૦૦ નાગરિકો વાળું જહાજ ઘણા બધા દેશોના બંદર પહોંચ્યું જેમાંથી એક હતું ઈરાન નું શિરફ બંદર, આ બંદર એ નાગરિકોને શરણ તો શું નાગરિકોને ઉતરવાની પણ મનાઈ ફરમાવી દીધી ! કેટલી નિષ્ઠુરતા ??? પછી આ જહાજ  સેષ્લસ અને યમન ના બંદર પર પહોંચ્યું, ત્યાં પણ આ લોકોને ધુત્કારવામાં આવ્યા !!

ઘણા દિવસો સુધી દરિયામાં રજળપાટ કર્યાં બાદ આ જહાજ પહોંચે છે ગુજરાત ના એક મહત્વના એવા જામનગર ના બંદર પર ! એ સમયમાં જામનગર ના રાજા હતા "જામ દિગવિજયસિંહ" તેમને આ લોકોની વ્યથા ખબર પડી એટલે એમણે તરત જ આ લોકોને બધી સુવિધાઓ પૂરી પાડી અને કીધું ! "હું આ જગ્યાનો "બાપ" છું એટલે આજથી હું તમારો પણ બાપ છું !"

બાપુએ મહિલાનો વસવાટ પોતાના હવામહેલ તરીકે ઓળખાતા મહેલમાં કરાવ્યો અને એમના બાળકોને અભ્યાસ ની સુવિધા પૂરી પાડવા બાલચડી ખાતે આવેલી શાળા માં મોકલી આપ્યા !



આ શરણાર્થીઓ જામનગર માં કુલ ૯ વર્ષ રહ્યા ! અને આ બાળકોમાંથી એક બાળક આગળ જતાં પોલેન્ડ નો પ્રધાનમંત્રી પણ બન્યો !

આજે પણ આ શરણાર્થીઓ ના બાળકો જામનગર આવે છે અને આ ઘટનાને યાદ કરતા રડી પડે છે ! પોલેન્ડની રાજધાની એવા વોર્શો શહેર માં ઘણા રાજમાર્ગો નું નામકરણ જામનગર ના આ નેકદિલ નામદાર એવા "જામ દિગવિજયસિંહ" ના નામ પર કરવામાં આવ્યું છે !! વસુધૈવ કુટુમ્બકમ ની ભાવના નું સાચું ઉદાહરણ આ ઘટનાને કહી શકાય !

આ એક એવી ઘટના છે જેને ગુજરાત અને ભારતના તમામ રાજ્યોના પાઠ્યપુસ્તકો માં સ્થાન મળવું જોઈએ પણ કમનસીબી છે કે આ અમૂલ્ય ઇતિહાસ આજે ક્યાંક કાલના ગર્ત માં છુપાઈ ગયો છે ! એને ઉજાગર કરવા જ આજનો આ લેખ લખ્યો છે !

બાપુની આ અસાધારણ સેવા અને વીરતા બદલ પોલેન્ડ ની સરકાર દ્વારા તેમને " Commander’s Cross of the merit " સનમાન આપવામાં આવ્યું હતું જે પોલેન્ડ નું સૌથી સર્વોચ્ય સનમાન છે !!
( લેખ નું શીર્ષક અને સંકલન: અજયગીરી ગોસ્વામી તરફથી)

તમારા પ્રતિભાવો કૉમેન્ટમાં જણાવજો !

Saturday, July 11, 2020

" મહાભારત : યક્ષ અને યુધિષ્ઠીર વચ્ચે નો સંવાદ "

મહાભારત વિશે આપણે બધાએ આપડા દાદા કે દાદી પાસેથી ક્યારેક ને ક્યારેક વાર્તાઓ સાંભળી જ હશે ! હું જ્યારે ધોરણ ૮ માં અભ્યાસ કરતો હતો ત્યારે સૌ પ્રથમ વખત સ્ટાર ઉત્સવ ચેનલ પર બી.આર ચોપડા ની મહાભારત જોઈ હતી, એ પછી સ્ટાર પલ્સ પર આવતી મહાભારત જોઈ અને સૌથી છેલ્લે સોની ટીવી પર આવતી સૂર્યપુત્ર કર્ણ સિરિયલ જોઈ..! આજે પણ જ્યારે સમય મળે ત્યારે YouTube માં સમય કાઢીને આ બધી સિરિયલ જોવ છું ! જેટલી વાર જોઈએ એટલી વાર અલગ અલગ વાત જાણવા મળે !

આ મહાભારત માં અજ્ઞાત વાસ ના સમય દરમ્યાન એક વખત વન માં ભ્રમણ કરતા કરતા યાગ્યસેની ને તરસ લાગે છે એટલે ધર્મ રાજ નકુલ ને પાણી શોધવા માટે મોકલે છે !

નકુલ એક તળાવ શોધે છે અને તેમાંથી પાણી પીવાનો પ્રયત્ન કરે છે, પણ એ તળાવ ની સુરક્ષા એક યક્ષ કરતો હોઈ છે, એ નકુલ ને ચેતવે છે કે મારા સવાલ ના જવાબ આપ્યા વગર પાણી પીશ તો તારું મૃત્યુ થશે ! પણ નકુલ એની વાત માનતો નથી અને મૃત્યુ પામે છે !

ઘણી વખત રાહ જોયા બાદ પણ નકુલ પાછો આવતો નથી એટલે એની શોધ માં ક્રમશ: અન્ય પાંડવો એની શોધ માં આવે છે અને જે ભૂલ નકુલ એ કરી હતી એ જ ભૂલ કરે છે !

અને સૌથી છેલ્લે ધર્મરાજ આવે છે અને જુએ છે તો નકુલ, સહદેવ, અર્જુન, ભીમ મૃત અવસ્થામાં તળાવ પાસે પડેલા હોઈ છે ! પરિસ્થિતિનો તાગ મેળવી ધર્મરાજ પણ પાણી પીવાનો પ્રયત્ન કરે છે એટલે તરત જ યક્ષ એમને સાવધાન કરે છે !

ધર્મરાજ પણ યક્ષ નું સન્માન કરે છે. યક્ષ એમને કહે છે તારા બધા ભાઈઓએ મારી આજ્ઞા નું પાલન કર્યા વગર પાણી પીવાની કોશિશ કરી એટલે એ બધા મૃત્યુ પામ્યા છે ! પણ હે યુધિષ્ઠીર તું આવું ન કરીશ !

ત્યારબાદ યુધિષ્ઠીર યક્ષ ના સવાલો ના જવાબ આપવા માટે સહમત થાય છે !

તો યક્ષ અને યુધિષ્ઠીર વચ્ચે થયેલા સવાલો અને જવાબ નીચે મુજબ આપ્યા છે ! વિશ્વના સૌથી શ્રેષ્ઠ ગણી શકાય એવા તત્વજ્ઞાન નો આમાં સમાવેશ થયો છે !

યક્ષ: પૃથ્વી કરતાં પણ વજનદાર શું છે ?
યુધિ. : માતા

યક્ષ: આકાશ થી પણ ઊંચું કદ કોનું છે ?

યુધિ. : પિતા

યક્ષ: પવન થી પણ વધુ તેજ ગતિ કોની છે ??

યુધિ. : મન

યક્ષ: સંખ્યામાં તણખલા થી વધુ શું છે ?

યુધિ. : ચિંતા

યક્ષ: મૃત્યુ ની નજીક પહોંચેલા પુરુષનો મિત્ર કોણ છે ?

યુધિ. : દાન

યક્ષ: ધર્મ, યશ, સ્વર્ગ અને સુખ નું મુખ્ય સ્થાન શું છે ?

યુધિ. : ધર્મ નું મુખ્ય સ્થાન દક્ષતા, યશ નું મુખ્ય સ્થાન દાન, સ્વર્ગ નું મુખ્ય સ્થાન સત્ય છે, સુખ નું મુખ્ય સ્થાન શીલ છે !

યક્ષ: મનુષ્યનો આત્મા શું છે ?

યુધિ. : પુત્ર

યક્ષ: જગત ને કઈ વસ્તુએ ઢાંકી રાખી છે ?

યુધિ. : અજ્ઞાન

યક્ષ: આળસ શું છે ?

યુધિ. : ધર્મ ન કરવો

યક્ષ: સુખી કોણ છે ?

યુધિ. : જેના પર કોઈ ઋણ નથી

યક્ષ: સાચું સ્નાન શું છે ?

યુધિ. : જે મનનો મેલ સાફ કરે

યક્ષ: કાજલ થી કાળું શું છે ?

યુધિ. : કલંક

યક્ષ: જગત માં શ્રેષ્ઠ ધર્મ શું છે ?

યુધિ. : દયા

યક્ષ: શેને વશ માં રાખવાથી શોક નથી થતો ?

યુધિ. : મનને

યક્ષ:  લજ્જા શું છે ?

યુધિ. :. ન કરવા જેવા કામ થી દુર રહેવું

યક્ષ: દયા શું છે ?

યુધિ. : બધાના સુખ ની મંગલ કામના કરવી

યક્ષ: રાષ્ટ્ર ના મૃત્યુ નું કારણ શું છે ?

યુધિ. : અરાજકતા

યક્ષ: બ્રાહ્મણત્વ નું પ્રમાણ શું છે કુલ, ચરિત્ર, શિક્ષા કે પછી શાસ્ત્ર જ્ઞાન ?

યુધિ. : ચરિત્ર

યક્ષ: ધર્મ શું તર્ક માં છે ?

યુધિ. : ના

યક્ષ: તો શું ઋષિઓની વિચારધારા માં છે ?

યુધિ. : ના, કેમકે કોઈ એક ઋષિની વિચારધારા બીજા ઋષિ સાથે મળતી નથી, એમની વચ્ચે પણ મતભેદ છે.કોઈ પણ ઋષિ પાસે સંપૂર્ણ સત્ય નથી.

યક્ષ: તો પછી ધર્મ નું સંપૂર્ણ સત્ય શું છે ?

યુધિ. : વ્યક્તિના હ્રદય ની અંદર

યક્ષ: દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય શું છે ?

યુધિ. : દરેક વ્યક્તિ રોજ બીજા લોકોને મૃત્યુ પામતા જોવે છે, છતાં પણ પોતે મૃત્યુ થી બચી જશે એવો ખ્યાલ.

તો આ હતો યક્ષ અને ધર્મરાજ વચ્ચેનો સંવાદ. આશા રાખું છું તમને વાંચવાની મજા આવી હશે !

તમારા પ્રતિભાવો કૉમેન્ટમાં જણાવજો.

Thursday, July 9, 2020

શું તમે જાણો છો પેટ્રોલ પંપ પર આ ૧૦ સુવિધાઓ મફત મળે છે ??? એના મફત ઉપયોગ પર કોઈ ના નથી પાડી શકતું !!!

આપણે બધા ક્યારેક ને ક્યારેક પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા ગયા જ હશું ! ભલે ડીઝલ પણ ત્યાં મળતું હોઈ તો પણ કહેવાય તો એને પેટ્રોલ પંપ જ ! હા...હા...હા...હા ! શું તમે એ જાણો છો એક ગ્રાહક તરીકે પેટ્રોલ પંપ પર તમને ૧૦ સુવિધાઓ મફત મળે છે ! અને આ સુવિધા બદલ તમારે કોઈ પણ પ્રકાર નો ચાર્જ ચૂકવવો પડતો નથી !

તો આવો જાણીએ કયા ૧૦ પ્રકારની સુવિધા આપણે સાવ મફત મળે છે, એમ છતાં આપણે આ બાબતનો ખ્યાલ નથી ! તો નીચે જણાવી છે એ ૧૦ સુવિધાઓ...!!!

1️⃣  મફત માં હવા ભરવાની સુવિધા _ સૌથી પહેલી મફત સુવિધા છે હવા ભરવાની, તમારી ટુ વ્હીલર કે ફોર વ્હીલ માં હવા ભરવા માટે પેટ્રોલ પંપ ના માલિક દ્વારા આ સુવિધા આપવી પડે છે, આ માટે પેટ્રોલ પંપ પર એક કંપ્રેસર અને એક માણસ રાખવો એ પંપ ના માલિક ની જવાબદારી છે ! ( પણ મોટા ભાગના પેટ્રોલ પંપ પર કમ્પ્રેસર બંધ હાલત માં જ હોઈ છે ! )

2️⃣ ફર્સ્ટ એડ કીટ _ દરેક પેટ્રોલ પંપ પર જીવન રક્ષક દવાઓ અને અમુક સામાન્ય ઘા પર લગાવી શકાય એવી દવાઓ અને મલમ પટ્ટી રાખવી ફરજીયાત છે !

3️⃣ પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા _ દરેક પેટ્રોલ પંપ પર પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા ફરજીયાત પણે હોવી જ જોઈએ !

4️⃣ ફોન કોલ ની સુવિધા _ દરેક પેટ્રોલ પંપ પર માલિકે એક આ સુવિધા પણ આપવી પડે છે. ઇમરજન્સી માં કોઈ પણ વ્યક્તિ આ ફોન નો ઉપયોગ કરી શકે છે !

5️⃣ વોશ રૂમ ની સુવિધા _ દરેક પેટ્રોલ પંપ પર લોકો માટે યુરીનલ હોવું જોઈએ, અને એ પણ સ્વચ્છ હોવું જોઈએ !

6️⃣ ફરિયાદ બુક _ જો તમને પેટ્રોલ પંપ કે કોઈ બાબત વિશે ફરિયાદ કરવી હોઈ તો એક ફરિયાદ બુક પણ પંપ પર રાખવી ફરજીયાત છે ! આ માટે રજીસ્ટર પણ નિભાવવામાં આવે છે !

7️⃣ પેટ્રોલ અને ડીઝલ નો હાલનો ભાવ જાણવાની અને પૂછપરછ કરવાની સુવિધા !

8️⃣ અગ્નિશામક સાધનો ની સુવિધા !

9️⃣બિલ લેવાનો અધિકાર _ તમે કોઈ પણ કિંમત નું પેટ્રોલ કે ડીઝલ ભરાવો તમે જો બિલ માંગો તો ફરજ પરની વ્યક્તિ એનાથી ઇનકાર નથી કરી શકતી !

🔟 પેટ્રોલ અને ડીઝલ ના માપિયા રાખવા ફરજીયાત છે જેથી તમે ચકાસણી કરી શકો કે પૂરતું પેટ્રોલ કે ડીઝલ આપે છે કે નહિ !!

આમાંની એક પણ સુવિધા મફત ન મળે તો આપ પેટ્રોલ પંપ ની કંપની ને ફરિયાદ કરી શકો છો !
તો મિત્રો કેવી લાગી આ માહિતી ??

" લેડી સિંઘમ : ડયુટી વિથ ડિગ્નીટી ! "

"ધમાલ ફિલ્મ માં જેમ આતંક કા દૂસરા નામ બાબુ ભાઈ હોઈ છે, એ જ રીતે આ વાર્તા માં ડર કા દૂસરા નામ અપર્ણા ત્યાગી છે !" પણ આ ડર જનતા માટે નહિ ચોર,ડાકુ,બુટલેગર જેવા લોકો માટે છે ! જો આ ડર છે, તો આવો ડર બન્યો રહેવો જોઈએ.

સીતાનગર એટલે પાંચ થી સાત લાખની વસ્તી ધરાવતું નાનું પણ નહિ અને બહુ મોટું પણ નહિ એવું નગર ! અને જિલ્લાનું મુખ્ય મથક પણ ! અને આ જગ્યાએ જ આવેલી છે એસ.પી કચેરી  અને આ કચેરીના સર્વેસર્વા એવા નવા જ બદલી થઇને આવેલા એસ.પી મેડમ સાહેબ અપર્ણા ત્યાગી ! ૭ વર્ષની નોકરી માં આઠમું ટ્રાન્સફર હતું, કારણ શું ??? કારણ એક જ "ઈમાનદારી" ! જે લોકો ઈમાનદારી ના ગુણ ને પકડી રહે છે, એમને શું મળે છે ??? સરકારી ફરમાન - બદલીનું ! આ વાત આપણે સારી રીતે જાણીએ છીએ ! ન જાણતા હો તો આજે જાણી લો.

27 વર્ષ જેવી નાની ઉંમર ના યું.પી.એસ.સી જેવી અઘરી પરિક્ષા પાસ કરીને પહેલી જ વાર માં એસ.પી. બનવાનું સૌભાગ્ય બહુ ઓછાં લોકોને પ્રાપ્ત થતું હોઈ છે ! વળી એસ.પી મેડમ એ ત્રણ વર્ષ લો નો પણ અભ્યાસ પણ કરેલો એટલે બંધારણ, આઇ.પી.સી અને સી.આર.પી.સી વિશે પણ જાણકારી હતી ! ઘણી વાર તો વકીલે પણ બોલતા પહેલા વિચારવું પડે એવી પકડ હતી એમની કાયદા પર !

છેલ્લા ઘણા સમયથી સીતાનગર માં કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ ખૂબ જ કથળી ગયેલી હતી, ચારેકોર ભૂ માફિયા, ખનીજ માફિયા અને બૂટલેગરો નું સામ્રાજ્ય જોવા મળતું હતું ! સામાન્ય જનતા પણ ત્રસ્ત થઈ ગયેલી હતી !

રોજ અખબાર માં પોલીસ તંત્ર ની ટીખળ કરવામાં આવતી. આવા સમયે સીતાનગર ની જનતા માં સુર ઉઠ્યો કે કોઈ ઈમાનદાર વ્યક્તિ ને એસ.પી તરીકે મૂકવામાં આવે ! આમ પણ અપર્ણા ત્યાગી મેડમ નો રેકોર્ડ હતો કે જ્યાં જ્યાં એમનું પોસ્ટિંગ થતું ત્યાં ત્યાં ક્રાઇમ રેટ શૂન્ય થઇ જતો ! કાયદો તોડવા વાળા કા તો અંડર ગ્રાઉન્ડ થઈ જતાં અથવા તો જિલ્લા બહાર ચાલ્યા જતા, આટલો ખોફ હતો એક ઈમાનદાર એસ.પી નો ! પણ રાજકારણ પાસે ઈમાનદારી નું શું આવે ??? એટલે જેવી બદલી થાય ને ત્રણ ચાર મહિના થાય એટલે ફરી સરકારી ફરમાન આવે ટ્રાન્સફર નું !!

સીતાનગર માં પગ મૂકતા ની સાથે જ મેડમે સૌથી પહેલા બૂટલેગરો ની ફાઈલ મંગાવી ! બીજા જ દિવસ થી દારૂની ભઠ્ઠી અને બૂટલેગરો પર ટીમ સાથે રાખીને "રેઇડ" કરવાનું શરૂ કર્યું ! સપ્તાહ માં તો બધા બૂટલેગરો ને જેલના હવાલે કરી દીધા ! કોઈ દારૂ પીવાનું પણ વિચારે તો એને એસ.પી મેડમ દેખાય એવો માહોલ ઉભો કરી દિધો !

એક વાર અડધી રાત્રે મેડમ ને બાતમીદાર દ્વારા એક "ટીપ" આપવામાં આવે છે ! ટીપ એટલે બાતમી આ તો તમને ખબર જ હશે ! ટીપ એ વાતની હતી કે આજે રાત્રે બે થી ત્રણ વાગ્યાના સુમારે અમુક ઈસમો ગૌવંશ ને એક ટેમ્પો માં ભરીને કતલ કરવાના ઇરાદે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાના છે ! બાતમી પાક્કી હતી એટલે રાત્રે ચોકડી પર મેડમે પહેરો વધારી દીધો ! બરાબર અઢી વાગ્યે શંકાસ્પદ હાલત માં એક ટેમ્પો નીકળ્યો, ટેમ્પો ની હેડલાઇટ પણ બંધ હતી !

રસ્તા પર બેરિકેડ ગોઠવેલા જ હતા જેવો ટેમ્પો નજીક આવ્યો એટલે કોંસ્તેબલે તલાસી લેવા ટેમ્પાને રોક્યો અને સાઈડ માં લેવાનું જણાવ્યું ! પણ આ શું ?? ગાડી સાઈડ માં લેવાને બદલે  ડ્રાઈવરે બેરીકેડ ને કચડીને પુર પાટ વેગે ટેમ્પો હંકારી મૂક્યો ! મેડમે તરત જ પોતાની જીપ દ્વારા ટેમ્પોની પાછળ પોતાની જીપ દોડાવી ! સાથે સાથે વાયરલેસ દ્વારા કન્ટ્રોલરૂમ માં મેસેજ પણ કર્યો કે આગળના રસ્તા પર નાકા બંધી કરવામાં આવે ! પૂરી અડધી કલાક પછી ગુનેગારો હાથ માં આવ્યા !
ટેમ્પો ની તલાસી લેતા અંદર થી ત્રણ ગાય અને બે વાછરડા ખીચોખીચ બાંધેલી હાલત માં જોવા મળ્યા ! આ ગૌવંશ ને પાંજરાપોળ માં મોકલવામાં આવ્યા !

બીજા દિવસે અખબાર માં મોટા મોટા અક્ષરો સાથે હેડલાઇન છાપવામાં આવી, " રાતના સમયે નિર્દોષ ટ્રક ડ્રાઈવર ને માનસિક ટોર્ચર કરવાના કેસમાં એસ.પી અપર્ણા ત્યાગી ની બદલી ! "

Wednesday, July 8, 2020

"ભારતના જેમ્સ બોન્ડ : અજિત કુમાર ડોભાલ"

પાંચ હાથ પૂરા એવું કદ, વિશાળ લલાટ, માથા પર આછા વાળ, મોટી મોટી આંખો, ચહેરા પર રીમ લેસ ફ્રેમ વાળા ચશ્માં, સિંહ જેવી ચાલ, મુખ પર અનેરું તેજ ! આટલી પૂર્વ ભૂમિકા બસ છે !
આજે વ્યક્તિ વિશેષ વિભાગની શુભ  શરૂઆત આપણે ભારતની આ મહાન હસ્તી સાથે કરીશું...! આમ તો આ મહાનુભાવ કોઈ ઓળખાણ ના મોહતાજ નથી પણ અહી આજે આપણે એના વિશે જાણવાનો પ્રયાસ કરીશું ! આશા છે તમને આ લેખ ગમશે !!

નામ: અજિત કુમાર ડોભાલ ( અજિત ડોભાલ ના પિતા પણ આર્મીમાં હતા. આથી જ રાષ્ટ્રવાદ તેમની નસોમાં - લોહીના કણ કણમાં વહેતો જોવા મળે છે )
વર્તમાન પદ: ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSG)
જન્મતારીખ : ૨૦ જાન્યુઆરી ૧૯૪૫
જન્મસ્થાન : પૌડી ગઢવાલ (ઊતરા ખંડ)
હાલની ઉંમર : ૭૩ વર્ષ
પ્રારંભિક શિક્ષણ : અજમેર ની મીલીટરી સ્કૂલમાંથી પ્રાપ્ત કર્યું
અનુસ્નાતક : આગ્રા વિશ્વવિદ્યાલય માથી અર્થશાસ્ત્ર માં એમ.એ કર્યું છે, ત્યાર બાદ આઇપીએસ ની તૈયારી માં લાગી ગયા, ૧૯૬૮ માં કેરલ કેડર માથી આઇપીએસ તરીકે પસંદ થયા. ત્યારબાદ ૧૯૭૨ IB માં જોડાઈ ગયા હતા.

જ્યાં સુધી તેઓ ભારતના પાચમાં NSA નહોતા બન્યા ત્યાં સુધી ભારતની સામાન્ય જનતાને NSA એટલે શું એ ખબર જ ન હતી. ત્યાં સુધી કે સાચું કહું તો મને પણ ખબર નહોતી. વાસ્તવમાં તેમણે જ આ પદ ની ગરીમામાં વધારો કર્યો છે.

સૌથી મહત્વપૂર્ણ કાર્ય એ કે ભારતમાં 2001 માં લોકતંત્રની જનની એવી સંસદ પર ચાલુ સત્ર વખતે આતંકવાદી હુમલો થયો ત્યાર બાદ 2008 માં મુંબઇ હુમલો થયો પરંતુ ભારતે ક્યારેય "ઇઝરાયલ જેવી વળતો જવાબ" આપવાની કાર્યવાહી ક્યારેય નહોતી કરી તે "વળતો જવાબ પ્રણાલી" ની શરૂઆત કરી.

૨૦૦૫ માં તેઓ IB ઇન્ટેલિજન્સ બ્યુરો ના ચીફ પદેથી રિટાયર થયા હતા.

બહુ ઓછાં લોકો જાણતા હશે કે તેઓ પાકિસ્તાનમાં ૭ વર્ષ સુધી ધર્મ બદલાવીને ભારત માટે ગુપ્તચર નું કામ કરતા હતા, આના વિશે તેઓ પોતાના એક પ્રવચન માં વાત કરે છે, જે વીડિયોની લીંક નીચે આપેલી છે 👇
https://youtu.be/vZ0npduQfQA

અજિત કુમાર સારા એવા લેખક પણ છે, તેઓ અવાર નવાર ભારતના જુદા જુદા અખબારો માં લખતાં રહે છે ! વર્ષ ૧૯૮૯ માં જ્યારે અમુક ખાલિસ્તનીઓ પંજાબ ના સ્વર્ણ મંદિર માં કબ્જો જમાવી ચૂક્યા હોઈ છે ત્યારે, એમને ખદેડી મુકવા માટે જે "ઓપરેશન બ્લેક ઠંદર" હાથ ધરવામાં આવેલું જેની આગેવાની અજિત ડોભાલ એ કરેલી હતી.

 1975 માં સિક્કિમ રાજ્યને ભારતમાં ભેળવવાના કાર્યનો યશ પણ તેમને ફાળે જ જાય છે.1971 થી 1999 સુધીમાં તેમની સતર્કતાને લીધે લગભગ 15 જેટલા હવાઈ જહાજને હાઇજેક થતાં પહેલાં જ અટકાવી શકાયા છે.

ભારત ના સૌપ્રથમ ક્રોસ બોર્ડર ઓપરેશન તરીકે 2015 માં ઈન્ડો-મ્યાનમાર બોર્ડર ક્રોસ કરીને મ્યાનમારમાં કાઉન્ટર ઇન્સર્જન્સી ઓપરેશન વખતે શ્રી ડોભાલ સરે વ્યુહાત્મક કામગીરી બજાવી હતી.

ઉત્તર પૂર્વના મિઝોરમ રાજ્યમાંથી ચીન સમર્થક બળવાખોર જૂથોને નેસ્તનાબૂદ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.


ઉરી ફિલ્મમાં પરેશ રાવલે જે ભૂમિકા ભજવી  છે તે વાસ્તવમાં અજિત ડોભાલ સર જ છે.


૩૦ મે ૨૦૧૪ ના રોજ ભારતની કેન્દ્ર સરકારે અજિત ડોભાલ ને ભારતના પાંચમા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કર્યા જ આજ સુધી કાર્યરત છે !

2017 માં ચીનના દોકલામ વિવાદને નિવારવા માટે પણ પ્રશંસનીય કામગીરી કરી હતી.

દેશના લોકોનું સૌથી વિશેષ ધ્યાન તેમની તરફ ત્યારે ખેંચાયું જ્યારે પાકિસ્તાન પર ભારત દ્વારા સર્જિકલ સ્ટ્રાઈક  કરવામાં આવી !

આ સિવાય પી.ઓ.કે માં કરેલી એર સ્ટ્રાઈક માં પણ તેમની ખૂબ મોટી ભૂમિકા રહેલી હતી.

વર્ષ ૧૯૯૯ માં જ્યારે આંતકવાદીઓ દ્વારા ભારતનું વિમાન IC-814 નું અપહરણ કર્યું હતું ત્યારે ભારત તરફથી જે પ્રતિનિધિ મંડળ કંધાર માં વાટાઘાટ માટે ગયું હતું તેમાં એક અજિત ડોભાલ પણ હતા.

આ સિવાય ૨૦૧૪ માં ભારતની ૪૬ નર્સ જે ઈરાક માં ફસાયેલી હતી એને ભારત પરત લાવવામાં માં પણ એમની મુખ્ય ભૂમિકા રહેલી છે ! ( અક્ષય કુમારની ફિલ્મ એરલીફટ આના પર જ આધારિત છે ).

પોતાની ઉમદા સેવાઓ બદલ તેઓ પોલીસ મેડલ પ્રાપ્ત કરવા વાળા સૌથી નાની ઉંમર ના વ્યક્તિ હતા. આ સીવાય તેમને પ્રેસિડેન્ટ પોલીસ મેડલ દ્વારા નવજાયા છે જે સામાન્ય રીતે ૨૬ જાન્યુઆરી અને ૧૫ ઓગસ્ટ ના રોજ એનાયત કરવામાં આવે છે ! વર્ષ ૧૯૮૮ માં તેમને સૈન્ય નું સૌથી બીજું સર્વોચ્ય એવું કીર્તિ ચક્ર મેડલ પણ આપવામાં આવ્યું છે !

આજે ૭૩ વર્ષની ઉંમરે પણ અજિત કુમાર ડોભાલ કોઈ યુવાન ને શરમાવે એવી સ્ફૂર્તિથી દેશ માટે વર્ષના ૧૨ મહિના સપ્તાહ ના ૭ દિવસ અને દિવસના ૨૪ કલાક સતત કામ કરે છે !

તો આ હતી ભારતના જેમ્સ બોન્ડની કહાની ! આગામી સમયમાં ભારતની બીજા કોઈ વ્યક્તિ વિશેષ વાત કરીશું !!
( આ લેખને સફળ બનાવવા માટે પૂરક માહિતી અજય ગીરી ગોસ્વામી તરફથી પૂરી પાડવામાં આવી છે ).

તમારા પ્રતિભાવો કૉમેન્ટમાં જણાવજો

Tuesday, July 7, 2020

" સારા માણસ ની ખરાબ આદતો !!! "

" પહેલા માણસ આદત પાડે છે, પછી આદત માણસ ને પાડે છે ! "

આજનું ટાઇટલ થોડુંક અજીબ છે પણ વાત આખી વાંચશો તો સમજાશે ! સૌથી પહેલા સારા માણસ એટલે કોણ ??? સારા માણસો એટલે એવા માણસો જે સમાજમાં સારું નામ ધરાવે છે, લોકો જેના પ્રત્યે આદર અને માન સન્માન દાખવે છે, દરેક સામાજિક પ્રસંગો માં જે હાજર રહે છે, દરેક પ્રસંગો માં દિલ ખોલીને ફાળો આપે છે, જરૂર પડ્યે તમારી પડખે ઊભા રહે છે વગેરે વગેરે. આવા લોકોને સારા લોકો કહી શકાય બની શકે તમારી વ્યાખ્યા અલગ હોઈ ! પણ લાંબુ વિચારશો તો આ જ લક્ષણો જોવા મળશે....!

આ સારા લોકોની પણ અમુક ખરાબ આદતો હોઈ છે....! હકીકતમાં આ આદતો સારી છે પણ મોટા ભાગ ના લોકો આ આદત ધરાવતા હોત નથી એટલે એને ખરાબ આદત એવું મે નામ આપ્યું છે !

તો જોઈએ હવે સારા માણસ ની ખરાબ આદતો !

🔶 આ લોકો ટાઈમના બહુ પાક્કા હોઈ છે, તમે ૧૦ વાગ્યે બોલાવ્યા હોઈ તો ૯:૫૯:૫૯ એ હાજર થઈ જાય છે !

🔶 આ લોકો હાથમાં ભલે મોંઘી દાટ કાંડા ઘડિયાળ પહેરે, પણ સમય હંમેશા મોબાઈલમાં જોવે છે !

🔶 કોઈ પણ સામાજિક પ્રસંગ હોઈ એ લોકોને ખબર હોઈ છે ફોટોગ્રાફર કઈ જગ્યાએ છે, એટલે શક્ય એટલો પ્રયાસ કરે છે દરેક ફોટોમાં એ દેખાય !

🔶 આ લોકો રસ્તા પર ભૈયા ની પાણીપુરી ખાઈ લે પછી, કાર માંથી પાણી પીવા માટે બિસ્લેરી ની બોટલ કાઢે છે !

🔶 એમના ઘરમાં કોઈ પણ વસ્તુ સામાન્ય નહિ મળે, દરેક વસ્તુ તમને "બ્રાન્ડેડ" કે પછી "કંપની" ની જ જોવા મળશે !

🔶 આ લોકો પાયખાના માં પણ પુસ્તકો રાખે છે અને વાંચે પણ છે, એમને વાંચવા માટે સમય પણ અહી જ મલે છે ! ( છે ને અજીબ આદત )

🔶 આ મહાનુભાવો ચાર સંસ્થા ના પ્રમુખ અને પાંચ સંસ્થાના ટ્રસ્ટી હોઈ છે !

🔶 દરેક જ્ઞાતિ ના સંમેલનો અને જાહેર કાર્યક્રમો માં એમની "ખુરશી રિઝર્વ હોઈ છે...!" ભલે એ ન આવે !તો પણ.

🔶 આવા લોકો ના ઘર બહાર એક મોટા પાટિયામાં લાલ કે કાળા અક્ષરોથી લખ્યું હોઈ છે " કૂતરાથી સાવધાન ! " ( જતા પહેલા ધ્યાન રાખવું ).

🔶 મોટા મોટા મંદિરોમાં જ્યાં આપડા જેવા સામાન્ય માણસો ને સાદો ફોન પણ લઈ જવાની મનાઈ હોઈ છે, ત્યાં આ લોકો કેમેરા વાળા ફોન લઈ જાય છે અને ફેસબુક પર લાઈવ વિડિયો પણ મૂકે છે !


🔶 તમારે ભગવાન ના દર્શન કરવા હોઈ તો લાં...........................બી લચક લાઈન માં ઊભા રહેવું પડે, આ લોકો બધાને ઓવર ટેક કરીને વી.આઈ.પી વાળી લાઈન માં જાઈને દર્શન કરી લે છે !

🔶 આ લોકો કાર લઈને જીમ માં સાઈકલ ચલાવવા જાય છે !

મને તો આટલી આદતો ધ્યાનમાં આવી છે ! શું તમારા ધ્યાનમાં બીજી કોઈ આદતો છે 🤔 ??? તો કૉમેન્ટ કરો ને યાર !!

Monday, July 6, 2020

કંજૂસ



"શેઠ નરોત્તમ દાસ" નામ સાંભળીને જ લોકો બોલી ઉઠે એના જેવો કંજુસિયો આખા ગામ માં કોઈ ન મળે ! દૂધ માં માખી પડી ગઈ હોઈ તો માંખીને નીચોવીને દૂધ કાઢી લે એટલો કંજુસીયો શેઠ ! બાપ દાદાની જમાવેલી પેઢી, કરોડો અબજો રૂપિયા વારસામાં મેળવેલા છે તો પણ રોજ હાલીને દુકાને જાય, આપણી પાસે એટલી સંપતિ હોઈ તો આપડે મારુતિ લઈ ને કામ જાય ! આવું ગામ લોકો એના ગયા પછી એક બીજાના કાનમાં આવી વાત કરે ! એક વખત ગામ માં સગર્ભા સ્ત્રીનું મૃત્યુ થયું, કારણ એટલું કે ગામ માં કોઈ જ હોસ્પિટલ નહોતી ! ગામ લોકોએ પંચાયત બોલાવીને નક્કી કર્યું ગામ માં એક હોસ્પિટલ બનાવવી, આ માટે દરેક વ્યક્તિએ યથા શક્તિ ફૂલ નહિ તો ફુલની પાંખડી યોગદાન આપવું ! ગામ લોકોની ટોળકી ફરતી ફરતી શેઠ નરોત્તમ દાસ ના ઘરે પહોંચી ! શેઠે બધાને ચા પાણી કરાવીને કીધું લખો મારા તરફથી એક કરોડ અગિયાર લાખ એકસો ને એક રૂપિયા ! ફાળો લેવા આવેલી ટોળકીની આંખો ચાર થઇ ગઈ !

Sunday, July 5, 2020

મોદીએ લીધી LAC ની મુલાકાત ! જાણો એમાં શું છે ખાસ ??? ~ અમિત ગીરી ગોસ્વામી

આજની વાત શરૂ કરતાં પહેલાં આપણે જાણી લઈયે કે શું છે આ LAC ??? ભારત અને ચીન વચ્ચે જે જે જગ્યાએ સરહદ આવેલી છે એ સરહદ એલ એ સી તરીકે ઓળખાય છે ! જે લાઈન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ તરીકે ઓળખાય છે ! લડાખ (કેન્દ્ર શાસિત પ્રદેશ), હિમાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશ ઉતરા ખંડ અને સિક્કિમ આમ ચાર રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ એમ પાંચ જગ્યાએ ચીન સાથે ભારત ની જે સરહદ જોડાયેલી છે એને આપડે એલ એ સી તરીકે ઓળખીએ છીએ જેની કુલ લંબાઈ ૪૦૫૬ કિલોમીટર જેટલી છે !

ગઈકાલે સવારે મોદીજીએ ઓચિંતી ત્યાંની મુલાકાત લેતા ભારત અને ચીન વચ્ચે યુદ્ધ ના ભણકારા વાગી ચુક્યા છે એવો માહોલ આખા દેશ માં ન્યુઝ ચેનલોને ગજવી દીધો છે ! પણ જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી "ભારત અને ચીન વચ્ચે લડાઈ થશે નહિ..!" તમને મારી વાત પર વિશ્વાસ નથી આવતો ને ?? તો હું મારી વાતને હજુ થોડીક સરળ રીતે સમજાવું !

જ્યારથી ભારત અને ચીન વચ્ચે ગલવાન વેલી માં તણાવ વધ્યો છે ત્યારથી ચીન એ જગ્યા પર આર્ટિલરી સપોર્ટ વધારી દીધો છે, એના પ્રત્યાઘાત સ્વરૂપે ભારતે પણ વધારાના ૨૦,૦૦૦ જવાનો તહેનાત કર્યા છે, પણ ચીન ક્યારેય ભારત સાથે યુદ્ધ કરશે નહિ આ વાત હું જાણું છું !



ચીન દ્વારા ભારતની સરહદ પર આર્મી ની ટ્રકો અને આર્મીના જવાનો ને રહેવા માટે ટેન્ટ બાંધ્યા હોઈ એવા ફોટાઓ જે ઉપગ્રહ તસવીરો ના માધ્યમ થી આપડે વિવિધ સોશ્યલ મીડિયામાં જોયા જ હશે !

જે લોકો થોડું પણ "વોર ફેર" ના નિયમો જાણે છે અથવા તો જેને કહી શકાય કે ડિફેન્સ એક્સપર્ટ છે એવા લોકો ને તમે પૂછશો તો એ પણ આ જ જવાબ આપશે કે ચીન ક્યારેય યુદ્ધ નહિ કરે ! ચીન માત્ર "છમકલા" કરવામાં માને છે "આરપાર ની લડાઈ" માં નહિ !

પૂર્વી એશીયાઇ દેશોમાં માં ભારતના વધતા કદ અને વિશ્વ આખામાં ભારતની જે પ્રકારે વૈશ્વિક છબી હકારાત્મક બની રહી છે એ બાબતે ચીન ના પેટ માં તેલ રેડાયું છે ! ચીન જાણે છે કે ભારત પાસે એવા સેટેલાઇટ છે જે તેના પર નજર રાખે છે એટલા માટે જ તેણે પોતાના ટ્રકો અને જવાનોના ટેંટ બાંધ્યા છે, એ જાણે છે કે ભારત આ તસવીરો જોશે અને યુદ્ધ કરવા માટે શરૂઆત કરશે !

પણ ભારત ની હંમેશા ખાસિયત રહી છે કે ભારત તરફથી ક્યારેય યુદ્ધ અંગે પહેલ કરવામાં આવશે નહિ, ચીન ની ચાલ એ છે કે ભારત ની સરહદ પર તણાવ વધારીને વૈશ્વિક મીડિયામાં ચીન વિશે ચાલતા કોરોના ના સમાચારોથી વિશ્વને આ બાબત માં ગુમરાહ કરવાનું એક ષડયંત્ર છે ! ભારત અને ચીન વચ્ચે આવો ઉગ્ર તણાવ વધે એટલે કોરોના ની વાતો થવાની બંધ થઈ જાય ! આ છે ચીન નો અસલી મનસૂબો !

જે સૈનિકો લડવા માટે આવ્યા છે એ સૈનિકો તંબુ માં નિવાસ કરે ?? જવાબ છે ક્યારેય નહી ! કેમ કે જ્યારે પણ સૈનિકો તંબુ માં નિવાસ કરતા હોઈ અને દુશ્મનો દ્વારા આર્ટિલરી ફાયરિંગ કરવામાં આવે કે હોવિતઝર તોપ દ્વારા બોંમ્બિંગ કરવામાં આવે તો એક પણ સૈનિક જીવતો બચવાની શક્યતા શૂન્ય બરાબર છે ! કેમકે જેવા આર્ટિલરી શેલ તંબુ પર ફાટે એટલે થોડી જ વાર મા બધા તંબુઓ આગની લપક માં આવી જાય ! તો શું ચીન ના સૈનિકો આ વાત નથી જાણતા ??? એ લોકો ખાલી ભારતને ઉશ્કેરવા માટે વારે ઘડીએ આવા હથકંડાઓ અપનાવે છે !!

પણ આપડા સૈનિકોના સંયમ ને પણ દાદ આપવી જોઈએ કે આટલી ઠંડી માં પણ પોતાની ફરજ પ્રત્યે જરા પણ ચૂક કરતા નથી !

આ બધા તણાવો વચ્ચે આપડે જોયું કે મોદીજીએ આપડા પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) એવા બિપીન રાવત સાથે આ વિવાદ વાળા સ્થળ પર રૂબરૂ મુલાકાત કરી અને સૈન્ય નું મનોબળ વધાર્યું !!



આ મુલાકાત ના શું પરિણામો આવશે ???

➡️ ભારતના સૈનિકો નું મનોબળ દ્રઢ થશે ! એમને થશે કે ભારત ની ૧૩૦ કરોડ ની જનતા અમારી સાથે છે ?

➡️ ચીનની વિસ્તારવાદી નીતિઓ વૈશ્વિક મીડિયામાં ઉઘાડી પડશે !

➡️ ભારતની કૂટનીતિક વ્યૂરચનાઓ સફળ થશે !

➡️ ગલવાન વેલી પર ભારતનો જ કબ્જો છે એ વાત વિશ્વ પણ સ્વીકારશે.

➡️ ચીન ની આર્મી પી.એલ.એ ( આના વિશે વધુ સ્પષ્ટતા માટે મારી આગળ ની ચીન વાળી પોસ્ટ વાંચવી ) પર મનોવૈજ્ઞાનિક દબાવ ઊભો થશે !

➡️ ચીનના લોકોનો પોતાની સરકાર પ્રત્યે અસંતોષ વધશે !

➡️ ભારતનું વૈશ્વિક કદ હજુ મોટું થશે

➡️ વિશ્વના દેશો ભારત પ્રત્યે હકારાત્મક વલણ દાખવશે

Saturday, July 4, 2020

સંબંધ ~ માણસ ની જરૂરિયાત કે મજબૂરી ???

"સંબધ એમની જરૂરિયાત છે, જે એકલા રહી નથી શકતા ! - ઓશો"

માણસ એક સામાજિક પ્રાણી છે ! એટલે એને સમાજ માં રહેવું ગમે છે, માણસોની વચ્ચે સતત રહેવું એ એની આદત છે ! માણસ સામાજિક પ્રાણી છે પણ જંગલ માં વસતા અન્ય પ્રાણી જેવું નથી ! જંગલી પ્રાણીઓ એકલા રહી શકે છે, મોજથી જીવી શકે છે ! પણ આ ચોપગુ સામાજિક પ્રાણી એકલું રહી શકતું નથી !

એકાંત એ વિચારવા માટે સારી જગ્યા છે, રહેવા માટે નહિ !!!

જે લોકો ખરેખર એકલા રહી શકતા નથી, એ લોકો જીવનનો માણવા જેવો "નિજાનંદ" નો લહાવો ગુમાવે છે ! સ્વામી વિવેકાનંદ એવું કહેતા કે દિવસમાં એક વખત માણસે પોતાની સાથે વાત કરવી જોઈએ ! આનો મતલબ એવો નથી કે અરીસામાં જોઈને પોતાની સાથે વાતો કરવી ! આનો સીધો અને સરળ અર્થ એવો છે કે દિવસમાં અડધો કલાક એવો હોવો જોઈએ જે માત્ર ને માત્ર તમારો હોવો જોઈએ ! આ સમય માં કોઈ પણ કામ નહિ કરવાનું બસ ખાલી મૌન ધારણ કરીને કોઈ એક જગ્યાએ બેસી જવાનું અને પોતાના અંતરાત્મા સાથે સંવાદ કરવાનો !

"સમાધિ લાગી તો એકલતામાં પણ મેળો, ન લાગી તો મેળામાં પણ એકલો !"

માણસ જ્યારથી જન્મ ધારણ કરે ત્યારથી જ વિવિધ સંબધ થી ઘેરાય જાય છે ! માતા,પિતા,ભાઈ, બહેન, દાદા, દાદી, કાકા, કાકી, મોટા બાપુ, મોટી માં, ફૂઈ, ફુવા, નાના, નાની, મામા અને મામી ! આ સિવાય પણ અઢળક સંબધો વચ્ચે આપણે જીવતા હોઈએ છીએ !


અને આ બધા સંબંધો ની ઉપર આવે છે "મિત્રતા" નો સંબંધ ! ઈશ્વર જે લોકોને આપડી સાથે લોહીના સંબંધો થી જોડવાનું ભૂલી ગયા છે એમને મિત્રો ના સ્વરૂપે આપડી પાસે મોકલે છે ! મિત્રોની વાત કરી તો દુશ્મનો ને કેમ ભૂલી શકાય ??? દુશ્મની પણ એક સંબંધ જ છે, ચાણક્ય દુશ્મનો વિશે એવું કહેતા કે સફળ થવું હોય તો મિત્રો હોવા જોઈએ અને વધુ સફળ થવું હોઈ તો તમારી આજુ બાજુ દુશ્મનોની સંખ્યા વધુ હોવી જોઈએ !!

આ આપડી એક પૂર્વધારણા જ છે કે આપડે એકલા ન રહી શકીએ ! પણ હકીકતે એવું નથી, તમે સમાજ માં નજર ઘૂમાવશો તો તમને ઘણા એવા લોકો જોવા મળશે કે એ એકલા જ હશે, અને તાજ્જુબ ની વાત તો એ છે કે આ લોકો અન્ય કરતા વધુ ખુશાલી વાળું જીવન જીવતા જોવા મળશે !

કોલેજ, યુનિવર્સિટી ના પ્રોફેસર મોટે ભાગે સિંગલ હોઈ છે ( આવું મારા મંતવ્ય મુજબ કહું છું ! બની શકે તમારો પ્રતિભાવ અલગ હોઈ શકે ) આનું કારણ એ હોઈ છે કે એ લોકો વાંચન કરતા કરતા એટલા બધા આગળ વધી ગયા હોઈ છે કે પછી એમને કોઈ એની લાઈફ કંટ્રોલ કરે એ એમને પસંદ નથી હોતું ! પરિણામે એ લોકો હંમેશા પોતાના નિજાનંદ માં જ મસ્ત રહેતા જોવા મળતા હોઈ છે !

કોઈ પણ માણસ સતત એકલો નથી રહી શકતો આવું હું નથી કહેતો મનો વિજ્ઞાન કહે છે ! એટલે જ તો આપડા ભારત માં કોઈને હવે એકાંત કેદ ની સજા કરવામાં નથી આવતી ! પહેલા પણ જ્યારે એકાંત કેદ ની સજા કરવામાં આવતી તો એનો સમય મહત્તમ સમય ૯૦ દિવસ નો હતો ! આ ૯૦ દિવસનો સમયગાળો પણ સળંગ ન હતો એને પણ જુદા જુદા ભાગ માં વહેચી દેવામાં આવતો હતો !


તો આપણે એવો સવાલ થાય કે આ બધા સાધુ અને સન્યાસી એકલા કેમ રહી શકતા હશે ??? અરે ભાઈ લોકોના આવા અલગ અલગ ચહેરા વાળા સમાજ માં રહીને તો એ કંટાળી ગયા અને સન્યાસ ધારણ કર્યો ! મજાક કરી છે !!! હકીકતે એવું નથી !

કોઈ પણ માણસ ભલે એ સન્યાસી ન પણ હોઈ, જ્યારે એક હદથી વાંચન અને લેખન માં સામાન્ય માણસથી આગળ વધી જાય છે પછી એ લોકોનો બુદ્ધિ આંક એટલો વધી જાય છે કે એ લોકોને પોતાના જીવનમાં બીજા લોકોનું ડિસ્ટર્બન્સ પસંદ નથી હોતું ! તમે એવા ઘણા કલાકાર જોયા હશે જ જે એકલા જ હોઈ છે ઘણી વાર તો મૃત્યુ સુધી એકલા જ હોઈ છે !!


એકલું રહેવું જોઈએ કે નહિ ?? આ સવાલ પર દરેક નો વિચાર અલગ અલગ જ હોવાનો ! પણ હું બુદ્ધ ભગવાન ના મધ્યમ માર્ગ માં માનું છું બહુ એકલા પણ નહિ અને બહુ સામાજિક પણ નહિ બન્નેની વચ્ચેનો રસ્તો કાઢવાનો ! આખા દિવસમાં હું એક થી દોઢ કલાક એવો કાઢું જેમાં મને ડિસ્ટર્બ કરવા વાળું ન હોઈ ! મોબાઈલ પણ સ્વીચ ઓફ કરીને મૂકી દેવાનો એટલે કોઈ ફોન પણ ન કરે ! અહી ઘણાને એવો પ્રશ્ન આવે કે ઇમરજન્સી કામ હોઈ તો ??? ભાઈ દુનિયામાં ઇમરજન્સી જેવું કશું હોતું જ નથી, જો બહુ ઇમરજન્સી જેવું હોઈ તો એ લોકો પાસે તમારી સાથે કે આજુ બાજુ માં રહેતા હોઈ એવા લોકોના પણ નંબર હશે જ, તમારો ફોન સ્વીચ ઓફ હશે તો એ લોકો તમારી આજુબાજુ વાળા ને ફોન કરી દેશે એટલે કોઈ ટેન્શન લેવા જેવી વાત નથી !

હું ઘણી વખત મારા ઘરની અગાસી માં એકલો એકલો બેઠો હોવ ! તો મારા મિત્રો ઘરે આવીને પૂછે અમિત ગીરી ક્યાં છે ??? એટલે મારા મમ્મી કહે ઉપર અગાસી માં "એકલો" બેઠો છે ! એટલે મિત્ર ઉપર આવીને કહે એલા અહી એકલો એકલો શું બેઠો છો ?? હાલ કેરમ રમવા ! એ પૂછે એકલો કેમ બેઠો છો એટલે હું જવાબ આપુ ભાઈ એકલો ક્યાં બેઠો છું ??? હું તો એકાંત માં બેઠો છું !! આવો જવાબ આપુ એટલે એ પણ બે ઘડી માથું ખંજવાળે અને પછી કયે તારી વાત સમજાય એવી નથી ! એટલે હું હસતાં હસતાં કહું ભાઈ રેવા દે, બધા સમજી જશે તો  મારી કોઈ કિમંત નહિ રહે ! માહિતી બધા પ્રાપ્ત કરી શકે, જ્ઞાન કોઈ કોઈ વ્યક્તિ જ પ્રાપ્ત કરી શકે ! અને આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સૌથી પહેલા "પાત્રતા" કેળવવી પડે ! જેમ ખાલી પડેલા પાત્ર માં જ તમે કોઈ ચીજ વસ્તુ ભરી શકો એમ ખાલી મગજ માં જ નવા વિચારો ઉત્પન્ન થઈ શકે ! આ મગજ ખાલી કરવાની કળા દરેક લોકો માં નથી હોતી !

મોબાઈલ માં ડેટા વધુ થઈ જાય તો "ડિલીટ" કરીને જગ્યા વધારી શકાય !! પણ મગજ માં ભરાયેલા કચરાને ડિલીટ કરવા માટે ઉપરવાળાએ કોઈ સુવિધા નથી આપી ! આ મગજ ના કચરાને ડિલીટ કરવા માટે ચિંતન અને મનન ની પ્રક્રિયા કરવી પડે ! વિચારો પર કાબૂ કરવો પડે !!

Friday, July 3, 2020

બસ ડેપો, બસ સ્ટેન્ડ, બસ સ્ટેશન, પીક અપ સ્ટેન્ડ !!!

આજે કોઈ નવો વિષય હાથમાં લેવાની ઈચ્છા થઇ આવી એટલે સૌથી પહેલો વિચાર આવ્યો બસ સ્ટેન્ડ નો ! ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી હોઈ શકે જેણે બસ સ્ટેન્ડ ની મુલાકાત નહિ લીધી હોઈ !

બસ સ્ટેન્ડ સાથે લગાવ પણ થઈ શકે, જો રોજ તમારે દૂર સુધી આવવા જવાનું હોઈ ! આ વાત સૌથી વધુ એ લોકો જાણતા હોઈ જે "અપ ડાઉન" કરતા હોઈ ! હું પણ જામનગર થી રાજકોટ અપ ડાઉન કરતો જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં એલ.એલ.એમ ( હ્યુમન રાઇટ્સ ભવન ) માં પ્રવેશ લીધેલો ! રોજ સવારે ૪ વાગ્યે ઊઠવાનું હાથે ચા બનાવીને પી લેવાની અને ૫ વાગ્યે સૂરજ ભગવાન આકાશ માં દર્શન આપે એની પહેલા પહોંચી જવાનું બસ સ્ટેન્ડ પર !

જ્યારે ગામ આખું સુતું હોઈ ત્યારે ઘરે થી નીકળવાનું, સાથે હોઈ એક પાણીની બોટલ ! રસ્તામાં ક્યાંક ક્યાંક નિશાચર એવા શ્વાન નો ભેટો થાય ! ક્યારેક ભસે પણ ખરા, પણ પછી રોજ નીકળીએ એટલે જોઈને પાછા ટૂંટિયું વાળીને સૂઈ જાય !

જામનગર - સાળંગપુર આ બસ રોજ પકડવાની ૫:૩૦ એ જામનગરથી ઉપડે અને ૭:૩૦ કે ૮ વાગ્યે ત્રિકોણ બાગ ઉતરવાનું ! ત્યાંથી વળી રાજકોટ ની સિટી બસ પકડવાની ૧ નંબર વાળી જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના કેમ્પસ સુધી પહોંચાડે !

જ્યારે આપડે નવા નવા અપ ડાઉન ના માણસ બનીએ એટલે શરૂઆત ના થોડાક દિવસ નવું નવું લાગે ! ધીરે ધીરે લોકો સાથે જાન પહેચાન થાય અને એક નામ વગરનો સંબધ વિકસે ! પછી આ સંબધ એક બીજાની ટિકિટ લેવા સુધી પણ આગળ વધે જો તમે વિકસાવી શકો તો ! અજાણ્યા ને પણ પોતાના બનાવી લેવા એ પણ એક આવડતની કળા છે ! બહુ ઓછાં લોકો આ કળા માં માહેર હોઈ છે ! સદનસીબે ઉપરવાળા એ આ કળા આપી છે મને ! અને ઘણો ફાયદો થયો છે !

ધીરે ધીરે આ સંબધ એવો વિકસે કે આપણે બે પાંચ મિનીટ મોડા પડીએ તો આપડી સીટ પણ આપણો મિત્ર રોકી રાખે ! આનું નામ આત્મીયતા !

બપોરે ૧૨:૩૦ એ ભવન માથી ફરી ૧ નંબર વાળી બસ પકડવાની અને માલવિયા ચોક પહોંચવાનું ! પ્લેટફોર્મ નંબર ૧૩ પર જામનગર - રાજકોટ વાળી ઇન્ટરસિટી ની રાહ જોવાની ! આ બસ જોડે તો એટલો લગાવ થઈ ગયેલો કે એના નંબર ( GJ 18 Z 2163 ) પણ હજુ યાદ છે ! કોઈ રાજકોટ થી જામનગર અપ ડાઉન કરતું હોઈ તો આ બસ અચૂક એમને મળી જ હશે ! પછી તો આ બસ ના ડ્રાઇવર એવા યુવરાજ સિંહ અને બસ ના કંડકટર એવા રૂપલ બહેન પણ મિત્ર જેવા બની ગયેલા ! બપોર ના સમય માં સીટ મળવી એટલે લગભગ અશક્ય જેવું કામ કેમ કે રાજકોટ થી ધ્રોલ જવા વાળા ઘણા બધા વિદ્યાર્થીઓ પણ આ જ બસ માં ઘસારો કરે ! ક્યારેક ક્યારેક રૂપલ બહેન પોતાની બેગ કોઈ એક સીટ પર મૂકીને મારી જગ્યા રિઝર્વ રાખે ! ત્યારે એમ થાય કે મિત્ર બનાવવાની કળા ખરેખર કામ કરે એવી છે !

બસ સ્ટેન્ડ પર ઘણી વાર ગરીબ અને અભણ લોકો પણ જોવા મળે જે બિચારા ઇન્કવાયરી બારી પર બસ વિશે પૂછવા જાય અને એમને હળકારીને કાઢી મૂકે ત્યારે એ બિચારા આપણે પૂછે કે ભાઈ આ બસ ક્યારે આવશે ?? જો મને ખબર હોઈ તો જણાવી આપુ, ન ખબર હોઈ તો બીજાને પૂછીને જણાવું ! ક્યારેક ક્યારેક તો કોઈ બિચારા નંબર ની ચિઠ્ઠી કાઢીને કહે ભાઈ એક ફોન લગાવી દયો ને મારા દીકરાને કે મને લેવા આવે ! તો ઘણી વાર આવા લોકોને માનવતા ના ધોરણે ફોન પણ લગાવી આપ્યા છે ! ફોન માં વાત કરીને ઘણી વાર આ લોકો બે હાથ જોડીને આભાર માને ત્યારે ઘણી વાર રડવું પણ આવી જાય !

આપડા પિતા અને દાદા ની ઉંમર જેવડા વ્યક્તિ મને હાથ જોડે ત્યારે થોડુક અજુગતું પણ લાગે અને આશ્ચર્ય પણ થાય કે ખાલી એક ફોન કરી આપવાની આટલી બધી કિમંત કરે આ લોકો !

ક્યારેક ક્યારેક તમારો પહેરવેશ પણ લોકોમાં તમારી એક વ્યક્તિ તરીકે અલગ છાપ ખડી કરે છે ! મોટે ભાગે સફેદ શર્ટ અને કાળું પેન્ટ આ મારો રોજનો ડ્રેસ કોડ ! આ આદત લો કોલેજ માથી વિકસી હતી અને આજ સુધી આ આદત કાયમ રહી છે, આગળ પણ રહેશે !

એક વાર એક ભાઈ આવ્યા મને કહે આ નંબર પર ફોન કરી દો ને મારી ઘરવાળી ને જામનગર દાખલ કરી છે તો મારા દીકરાને કહેવું છે મને તેડવા આવે ! મે ફોન કરી દિધો પછી એ ભાઈને પૂછ્યું કાકા બસ સ્ટેન્ડ પર આટલા લોકો હતા તમે કોઈને નહિ ને મને જ કેમ ફોન કરવાનું કીધું ??? ત્યારે એ ભાઈ એ કીધું ભાઈ તમે વકીલ જેવા લાગો છો એટલે તમને કીધું ! ત્યારે એમ થયું કે હા આપડા ડ્રેસ કોડ ની પણ એક તાકાત છે, ભલે ખાખી વર્દીના નથી પણ બ્લેક એન્ડ વ્હાઇટ ની પણ એક અલગ જ ઓળખાણ સમાજ માં છે અને એ ઓળખાણ એટલે "વકીલ" ની ઓળખાણ !

શું તમને પણ આવો અપ ડાઉન નો કોઈ અનુભવ છે તો કૉમેન્ટ માં જણાવો !

Thursday, July 2, 2020

ચાઇનીસ એપ પર પ્રતિબંધ ! એમાં આપણે શું ??? ફાયદો કે નુકશાન ???

"ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, હું મારા દેશ ને ચાહું છું, એના સંસ્કૃતિ અને વારસા પર મને ગર્વ છે....." કોને કોને યાદ છે આ પ્રતિજ્ઞા ???? છેલ્લે ક્યારે તમે આ પ્રતિજ્ઞા વાંચેલી ???? તમારા ઘરમાં કોઈ પણ બાળક ભણતું હોઈ તો કોઈ પણ વિષય ની એક ચોપડી ઉપાડી લો અને ફરી એક વખત આ પ્રતિજ્ઞા વાંચી જાવ !!

બે દિવસ પહેલા જ ભારતની કેન્દ્ર સરકાર એ લગભગ લગભગ ૫૮ કે ૫૯ જેટલી ચાઇનીસ એપ પર ભારત માં પ્રતિબંધ મૂક્યો છે, એમાં રાષ્ટ્રવાદી લોકો ને તો મજા જ આવી છે, પણ સવાલ છે અમુક લિમ્બ્રાડું લોકો નો જે આ નિર્ણય ને આવકારવાની જગ્યા "વિધવા વિલાપ" કરે છે, આજનો આર્ટિકલ આવા જ વિધવા વિલાપ વાળા લોકોને સમર્પિત છે, જો તમે આ આર્ટિકલ વાંચી રહ્યા છો તો બે હાથ જોડીને તમને એક વિનંતી છે કે એક વાર આ આર્ટિકલ ને તમારા તમામ સોશ્યલ મીડિયામાં શેર જરૂર કરજો !

હવે આવીએ આજના મૂળ મુદ્દા પર. ભારત સરકારે જે નિર્ણય બે દિવસ પહેલા લીધો એ નિર્ણય નો ૨૦૧૪ ના જૂન કે જુલાઈ માસ માં જ લઈ લીધો હોત તો આજે આ વાતને મીડિયામાં આટલું કારણ વગરનું કવરેજ ન મળત. પણ આપણે હંમેશા સારું કદમ ઉઠાવવામાં વર્ષોથી મોડું કરતા આવીએ છીએ, આ બાબત પર આપણે મનોમંથન કરવાની જરૂર છે અને આપણી જવાબદારી પણ છે !


ભારત સરકારે આ બધી એપ પર પ્રતિબંધ લગાવ્યો એનાથી તમને શું નુકસાન થયું છે એ વાત બાજુ પર મૂકીને પણ આ એક સાહસિક કદમ થી "ચીન નો લાલ ડ્રેગન ખરેખર રાતો પીળો જરૂર થઇ ગયો છે એ વાત નક્કી છે !"

આપણે જાણીએ છીએ કે ગલવાન વેલી માં જે સૈનિકો શહીદ થયા એના બાદ આપણા દેશ માં સૈનિકો પ્રત્યે એક અભૂતપૂર્વ લહેર જાગી અને ચિન તથા ચીની એપ અને પ્રોડક્ટ પર લોકો નો ગુસ્સો ફૂટ્યો !!! આ સમય છે આપણા સૈનિક સાથે ઉભા રહેવાનો, આ સમય છે આપડા સૈન્ય ને વિશ્વાસ અપાવવાનો કે ભારત ની ૧૩૦ કરોડની જનતા ભારતીય સૈનિક સાથે છે !

આપણા દેશ ની આર્મી એક સ્વતંત્ર સંસ્થા છે, એટલે કે કોઈ રાજકીય પાર્ટી માથે કામ નથી કરતી એ એક સ્વતંત્ર બોડી છે ! વિશ્વના જેટલા પણ લોકશાહી દેશો છે  અમેરિકા, ફ્રાંસ, જર્મની, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, કેનેડા, ન્યુઝીલેન્ડ વગેરે દેશો ની આર્મી પોલિટિકલ પાર્ટીના આદેશ નું પાલન નથી કરતી એ પોતાની રીતે સ્વતંત્ર હોઈ છે એટલે કે એમની જવાબદારી એમના દેશ પ્રત્યે હોઈ છે નહિ કે કોઈ પાર્ટી પ્રત્યે !!

હવે વાત કરું ચીન ની ! ચીન ની આર્મી સ્વતંત્ર આર્મી નથી, ચીન ની આર્મી પીપલ્સ લીબરેશન આર્મી તરીકે ઓળખાય છે, જેને આપડે ચાઇનીસ આર્મી કહી શકીએ ! આર્મી નેવી એરફોર્સ આ ત્રણ સુરક્ષા સંસ્થાન સંસ્થાન ચીનમાં સ્વતંત્ર નથી આ ત્રણેય સંસ્થાન કામ કરે છે ચીન ની એક માત્ર પોલિટિકલ પાર્ટી કોમ્યુનીસ્ટ પાર્ટી ઓફ ચાઇના માટે ! આ ત્રણેય સૈન્ય પાંખ ની જવાબદારી તેમના દેશ પ્રત્યે નથી પણ કોમયુનીસ્ટ પાર્ટી ઓફ ચાઇના પ્રત્યે છે !


ભારતે લગાવેલા પ્રતિબંધ થી સીધો અને સટિક ફટકો આ પીપલ્સ લિબ્રેશન આર્મી ને પડવાનો છે ?? કઈ રીતે ?? આવો જાણીએ !

Tiktok, UC Browser, WPS Office અને આવી બીજી અઢળક એપ પીપલ્સ લીબ્રેશન આર્મી ના સીધા સર્વેલેન્સ હેઠળ હોઈ છે ! એક બે પાંચ કે દસ બાર લોકો tiktok જેવી એપ વાપરે એનાથી ચીન ને કશો ફાયદો નથી થવાનો ! પણ જયારે લાખો કરોડો કે અબજો લોકો આવી એપ ડાઉનલોડ કરે ત્યારે "નેટવર્ક" ની જાલ રચાય છે જેમ કરોળિયાનું જાળું હોઈ ! આ નેટવર્ક દ્વારા ચીન ની આર્મી તમારી તમામ ગતિવિધિઓ પર નજર રાખતી હોઈ છે ( જે તમને ખબર પણ નથી હોતી ) ! એ સમય ગયો જ્યારે લડાઈ યુદ્ધ મેદાન માં તોપ, બંદૂક અને બીજા હથીયારો વડે લડવામાં આવતી !

અત્યારે લડાઈ આંગળીઓના ટેરવે લેપટોપ અને મોબાઈલ વડે લડવામાં આવે છે, અને આ લડાઇ "પ્રત્યક્ષ લડાઈ કરતા પણ વધુ ઘાતક" છે એ વાત ધ્યાન પર લેવાની છે !

ચીન આર્મીના હેકરો તમારી એપ ના માધ્યમ દ્વારા તમારી તમામ ગુપ્ત ગતિવિધિ અને તમારી પસંદ ના પસંદ પર નજર રાખતા હોઈ છે, તમે મોબાઈલમાં કયા સમયે શું જુઓ છો, શું શું સર્ચ કરો છો, ફેસબુક કે ઇન્સ્ટા અને વોટ્સેપ પર શું શું પોસ્ટ કરો છો એ બધું ચીન ની તિસરી આંખ ની નજર બહાર નથી હોતું !

આનું સૌથી મોટું નુકશાન શું છે ?? સૌથી મોટું નુકશાન એ છે કે આ બધી એપ દ્વારા કોઈ પણ દેશની ઇકોનોમિક સાઈકલ તોડી શકાય છે, દેશની અંદર સરકાર પ્રત્યે અસંતોષ ઉભો કરી શકાય છે અને સૌથી વધુ દેશની અંદર સાંપ્રદાયિક હિંસા પણ ફેલાવી શકાય છે !

આ એપ ડિલીટ કરવાથી ભારતના લાખો કરોડો અબજો માનવ કલાકો હવે કોઈ બીજી જગ્યાએ શિફ્ટ થશે અને એનાથી ભારતના સોફ્ટવેર ઉત્પાદકો માં એક નવું  જોમ અને ઉત્સાહ આવશે ! સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે ચીન હવે તમારી જાસૂસી કરી શકશે નહિ !

અત્યારે વોટ્સેપ પર એક મેસેજ ફરે છે જેમાં ચીન ની એપ અને એ એપ ના બદલે વૈકલ્પિક કઈ એપ વાપરી શકાય ! આ મેસેજ ખરેખર દરેક લોકો ને ફોરવર્ડ જ નથી કરવાનો... આપણે એ પણ સુનિશ્ચિત કરીએ કે આપણી આજુબાજુ ના મિત્ર વર્તુળ માં પણ જો કોઈ ચીન ની એપ વાપરતું હોઈ તો એને સમજાવીએ અને એપ ડિલીટ કરાવીએ !

તમારે એપ વાપરવી જ હોઈ તો ભારતની વાપરો, કોઈ અન્ય દેશ ની વાપરો, પણ ચીન ની તો નહિ જ ! અત્યારે આપણે આત્મનિર્ભર બનવાનો સંકલ્પ તો કર્યો છે, પણ આ સંકલ્પ હજુ બાલ્ય અવસ્થામાં છે આનો ફાયદો આવતા ૭ થી ૧૦ વર્ષ દરમ્યાન જોવા મળશે !

ભારત ટિક્તોક ના લગભગ ૬ કરોડ ૩૦ લાખ જેટલા યુઝર્સ હતા ( આંકડો અંદાજિત છે ) સીધી રીતે કહું તો આ લોકો ચીન માટે ભારત માં જ જાસૂસી કરી રહ્યા હતા ! અને તાજ્જુબ ની વાત એ છે કે આ લોકોને એ ખબર પણ નથી કે તેઓ પરોક્ષ રીતે ચીન ને પોતાની તમામ ખાનગી માહિતી પહોંચાડી રહ્યા છે !

એક ભારત જ આ ચીનના ત્રાસ નો સામનો નથી કરતું, વિશ્વના ઘણા બધા દેશો ચીન ના હાર્ડવેર પર નિર્ભર છે ! વિશ્વની એક નંબરની કહી શકાય એવી અમેરિકા પણ ચીન ના ૯૦ ટકા જેટલા હાર્ડવેર વાપરે છે, થોડુક વિચારો ક્યાં ભારત અને ક્યાં અમેરિકા ??? જો અમેરિકા પણ આ ચીન થી ત્રસ્ત હોઈ તો આપણે તો હજુ વિકાસશીલ દેશની યાદી માં આવીએ છીએ !

પણ જે થયું એ સારું જ થયું ! ભલે કેટલાક લોકો હવે "બેરોજગાર" બની ગયા છે ! વાંધો નહિ તેમને મુજરા કરવા માટે કોઈ નવી એપ આવી જ જશે ! પણ આ મુજરાલાલ લોકો માટે દેશની સુરક્ષા સાથે કોઈ પણ સમાધાન ન જ કરી શકાય !!

અંતમાં સો વાતની એક જ વાત આ બધી એપ ડિલીટ કરવાથી ભારતીય તરીકે આપણે ફાયદો છે જ ! પણ આ એક કદમ દ્વારા ચીનના ગળે સીધો ગાળિયો પહેરાવ્યો છે એની ખુશી પણ તમારે માણવાની છે ! આવનારા સમય માં સીમા પર ચીન હજુ પણ નવા નવા ગતકડાં કરશે પણ જ્યાં સુધી આર્મીના જવાનો ત્યાં સુરક્ષા માટે તહેનાત છે, તમારે કોઈ ચિંતા કરવા જેવી નથી !!

તમે તમારા પ્રતિભાવો જણાવી શકો છો ! વાંચવા બદલ આભાર !!

Wednesday, July 1, 2020

ભુજ ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા ~ પ્રીવ્યુ ( અમિત ગીરી ગોસ્વામી )

મિત્રો આપણે બધા જ્યારે પણ "સૈનિક" , "ફૌજી" આવા શબ્દ વાંચીએ કે સાંભળીયે ત્યારે આપણે કેવી ફિલિંગ આવે છે ??? એક પડછંદ કાયા, શરીર પર ખાખી વર્દી, પગમાં કાળા મજબૂત બૂટ, માથા પર જાળી વાળી ટોપી, અને હાથમાં એક જબરી એવી બંદૂક ! કેમ ખરું જ કહ્યું ને ?? પણ આજે જેની વાત કરવા જઈ રહ્યો છું એની પાસે આમનું કશું જ નહોતું ! હતું તો ખાલી દિલમાં એક ધધક્તિ એક દેશભક્તિ અને દેશ માટે કઈક કરી છૂટવાની તમન્ના !

તાન્હા જી ની અપાર સફળતા પછી અજય દેવગન ફરી આવી રહ્યા છે એક દેશભક્તિ ની ફિલ્મ લઈને જેનું નામ છે ભુજ ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા જેમાં અજય દેવગન જોવા મળશે એક વાયુસેના ના ઓફિસર ના રોલ માં. ફિલ્મ આગામી ૧૨ કે ૧૪ ઓગસ્ટ ના દિવસે ઓનલાઇન પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે !

ફિલ્મ બેઝડ છે ૧૯૭૧ ના ભારત પાકિસ્તાન યુદ્ધ પર ( જે આપણે બોર્ડર ફિલ્મ માં જોઈ ચૂક્યા છીએ ) બોર્ડર માં આપડે આર્મી ની બહાદુરી જોઈ જ્યારે આ ફિલ્મ માં વાયુસેના એ પણ એ યુદ્ધ માં કેટલું અગત્ય નું અને અમૂલ્ય યોગદાન આપ્યું એ બખૂબી રજૂ કરવામાં આવશે ! અજય દેવગણ સ્કવોરડન લીડર વિજય કરનિક નો રોલ નિભાવશે આ ફિલ્મ માં !

આ ફિલ્મ ની અંદર તમને નોરા ફતેહ પણ જોવા મળશે જે એક સ્પાય એજન્ટ નો રોલ કરે છે, પહેલા આ રોલ પરિણીતી ચોપરા ના ફાળે હતો પણ હવે આ રોલ નોરા ફતેહ કરશે.

(એક આડ વાત: ફિલ્મ બોર્ડર માં જે એરફોર્સ નું શૂટિંગ બતાવાયું છે એ મારા
  જોરદાર  જામનગર નું એરફોર્સ છે અને એરફોર્સ સાથે મારી એક અલગ જ લાગણી જોડાયેલી છે.)

આ ફિલ્મ અંદાજે ૯૦ કરોડ જેટલા માતબર બજેટ સાથે સુટ કરવામાં આવી છે એટલે સ્વાભાવિક છે ફિલ્મ માં દ્ર્શ્યો ખૂબ સારા અંદાજમાં ફિલ્માવવામાં આવ્યા હશે !

અજય દેવગણ સીવાય આ ફિલ્મ માં જોવા મળશે સંજુ બાબા અને અસલી સોના એવી સોનાક્ષી સિંહા ( આમ પણ સંજુ બાબા અને સોનાક્ષી ઘણા સમય થી રૂપેરી પડદે દેખાયા નથી ) શરદ કેલકર, એમ્મી વિર્ક, પરિણીતી સુભાષ અને રાણા દગ્ગુબાતી !

ફિલ્મ નું સંગીત વિશાલ શેખર દ્વારા આપવામાં આવ્યું છે ! ફિલ્મ ના ડિરેકટર છે અભિષેક દુધૈયા.

ફિલ્મ ના પ્રોડ્યુસર ભૂષણ કુમાર છે !

૩ ડિસેમ્બર થી ૧૭ ડિસેમ્બર સુધી પાકિસ્તાની લડાકુ વિમાનો એ ભુજ ના એરફોર્સ બેઝ પર ૯૨ થી વધુ બોમ્બ ધડાકા કરીને ભુજ એરબેઝ ને તહેશ નહેશ કરી નાખ્યું હતું. પાકિસ્તાનને વળતો જવાબ આપવા માટે વિમાનોને ઉડાન ભરવા માટે રન વે ની તાતી જરુર હતી. પણ આવા ભય ના માહોલ માં બધા લોકો ત્યાંથી પલાયન કરી ચૂક્યા હોઈ છે.... આવા સમયે ભારતીય વાયુ સેનાની મદદે આવે છે કચ્છ ના માધાપર  ગામની ૩૦૦ જેટલી મહિલાઓ જે વાયુસેનાને મદદ કરીને યુદ્ધ ના ધોરણે રન વે બનાવવા માં મદદ કરે છે.. ( સોનાક્ષી સિંહા જ આ બધી બહેનોને તૈયાર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે ફિલ્મ માં તેનું નામ હશે સુંદર બેન જેઠા ) !

પાકિસ્તાન ના વિમાનો એ ભુજ એરફોર્સ નો રન વે એટલી હદે ખરાબ કરી નાખ્યો હતો કે મુખ્ય રન વે પર ૧૨ ફૂટ પહોળો અને ખાસ્સો ઊંડો ખાડો પડી ગયો હતો, આ રનવે રિપેર કરવા માટે યુદ્ધના ધોરણે કામ કરવું જરૂરી હતું ! આવા કપરા સમયે વાયુસેનાની મદદે આવે છે કચ્છ ના માધાપર ગામની ૩૦૦ જેટલી મહિલાઓ ! અને આ મહિલાઓ એક ઉદાહરણ પૂરું પાડે છે કે દેશભક્તિ ખાલી સૈન્ય માં જોડાઈને જ સાબિત નથી કરી શકાતી !! જો દિલમાં દાઝ અને દેશ માટે કઈક કરી છૂટવાની ભાવના હોઈ તો ફૂલ નહિ પણ ફૂલ ની પાંખડી રૂપે પણ આપડા સૈન્ય ની મદદ કરી શકો છો !!


પાકિસ્તાની વિમાનો ની નજર માં આ મહિલાઓ દેખાય નહિ એટલા માટે વિજય કરનિક એ તેમને લીલી સાડી પહેરવા માટે સૂચન કર્યું હતું, રન વે રિપેર કરતી વખતે આકાશ માં જેવા પાકિસ્તાની વિમાનો ઉડ્ડયન કરતા દેખાય એટલે એક ખાસ સાઇરન વગાડવામાં આવતું જેથી આ મહિલાઓ એક સુરક્ષિત બંકર માં છુપાઈ જાય ! તૈયાર થયેલો રન વે પાકિસ્તાની પાઇલટ જોઈ ન શકે એટલા માટે તેના પર ગાય અને ભેંસના છાણા પાથરી દેવામાં આવતા હતા !!

દેશભક્તિ થી ભરપુર આ ફિલ્મ માં હવે શું શું છુપાયેલું છે એ તો ફિલ્મ જોઈને જ ખ્યાલ આવશે !

તો મિત્રો આ પ્રિવ્યુ તમને કેવો લાગ્યો એ કૉમેન્ટ કરીને જણાવશો !

જય હિન્દ વંદે માતરમ્ ભારત માતા કી જય !!

નામકરણ : આધુનિકતા થી મૂળ તરફ પ્રયાણ

અરે ઓ સાંભા કિતને આદમી થે?? આ સંવાદ સાંભળીને કોણ યાદ આવે ?? યસ એકદમ સાચું... ગબ્બર યાદ આવે ! જાની...... આ એક શબ્દ સાંભળી ને જોયા વગર કહી ...