Saturday, June 27, 2020

""ભારતીય સંસ્કૃતિ, માનવજીવન અને પ્રાણી સૃષ્ટિ" ~ અજય ગીરી ગોસ્વામી

 
  "ભારતીય સંસ્કૃતિ, માનવજીવન અને પ્રાણીસૃષ્ટિ"

આજનો આ લેખ સર્વ પર્યાવરણપ્રેમી અને પ્રાણીપ્રેમી લોકોને સમર્પિત છે.

सिंहादेकं बकादेकं शक्षेच्चत्वारि कुक्कुटात् ।
वायसात्पञ्च्चशिक्षेच्च षड् शुनस्त्रीणि गर्द्दभात् ।।

તમે આ શ્લોક સંપૂર્ણ નહિ જ વાચ્યો હોય અને જેને સમજાયો નથી એ ગૂગલ ટ્રાંસ્લેટરમાં ભાષાંતર કરવા મથશે, પરંતુ ગૂગલ ટ્રાંસ્લેટરમાં પણ સંસ્કૃત ભાષા ઉપલબ્ધ ન હોવાથી અહી નીચે મુજબ શ્લોકનું અર્થઘટન આપવામાં આવ્યું છે.

"કોઈ પણ રીતે સારસ અને સિંહથી એક પ્રકારની, પાળેલા પક્ષીથી ચાર પ્રકારની,કાગડાથી છ જાતની, કુતરાથી છ પ્રકારની અને ગધેડાથી ત્રણ પ્રકારની શિક્ષા લેવી બહુજ જરુરી છે."

આમ સિંહ, સારસ, કાગડા, શ્વાન-કૂતરો, ગદર્ભ-ગધેડો વગેરે જેવા પશુ-પક્ષીઓ ની ખાસીયતો પરથી માનવને અનેકાનેક બાબતો શીખવા મળે છે.

પ્રાગઐતિહાસિક કાળથી માંડીને આધુનિક યુગમાં પ્રાણી વર્ગનું માનવજીવનમાં માં મહત્વ અને તેની અસરો અંગે માનવશાસ્ત્ર (Anthropology), પ્રાણીશાસ્ત્ર (Zoology) અને મનોવિજ્ઞાન (Psychology) ના સંયોજનના સથવારે સમજીશું.

આજે તો શ્વાન-ડોગ્ગી-કૂતરો માનવનું સૌથી વફાદાર મિત્ર ગણાય છે. પરંતુ તેના મૂળ પ્રાગઐતિહાસીક યુગમાં જ રોપાયેલા જોવા મળે છે. તો ચાલો જાણીએ આ મૂળ ને.

પ્રાગઐતિહાસિક યુગમાં આદિમાનવ શિકારી જીવન જીવતો. તે ઝાડ-પાન, ફળ-ફુલ ઉપરાંત પ્રાણીનો પણ શિકાર કરી ભોજનમાં આરોગતો. આજના સમયમાં પાલતુ પ્રાણી તરીકે ખુબજ પ્રખ્યાત ડોગ્ગી (શ્વાન)નો માનવ સાથેનો સંબંધ પણ આ જ કાળથી પ્રચલિત બન્યો. જંગલોમાં વરું(Wolf) નામનું પ્રાણી આદિમાનવે ફેંકેલા પ્રાણીજન્ય અવશેષો પર થોડા ઘણા અંશે નિર્ભર રહેતું. આમ વરુઓનો આદિમાનવો સાથે ઘરોબો વધતા તથા એકબીજાથી હુમલાનો ભય દૂર થતાં મિત્રતાનો ગાઢ સંબંધ બંધાયો. વરું આદીમાનવોની ગુફા બહાર જ ડેરા તંબુ તાણીને અડ્ડો જમાવતા થયા. ત્યાર બાદ તેઓ શિકાર સમયે પણ આદિમાનવની સાથે જવા લાગ્યા અને શિકારી પશુને મારવામાં સાથ આપવા લાગ્યા.

ચાર્લ્સ ડાર્વિનના સિધ્ધાંત મુજબ જેમ આદિ વાનર માંથી આદિ માનવ બન્યો તેજ રીતે વરુઓમાં પણ કાળ ક્રમે પરિવર્તન આવતા આજના ડોગ્ગી ઉર્ફે શ્વાન(Dog) જેવું પ્રાણી અસ્તિત્વમાં આવ્યું.આવી જ રીતે પાલતુ પ્રાણીઓમાં અનેકાનેક પ્રાણીઓનો સમાવેશ થાય છે તેના મૂળ પણ આવીજ ઘટનાઓ સાથે સંકળાયેલ છે.આતો થઈ પ્રાગઐતિહાસિક યુગની વાત. હવે પ્રાચીન કાળની વાત કરી એ.

આજથી 5,000 વર્ષ પૂર્વે પ્રાચીન કાળમાં વિશ્વમાં અનેક સંસ્કૃતિ અને સભ્યતાઅો અસ્તિત્વ ધરાવતી હતી. ભારતીય ઉપખંડમાં પણ સિંધુ ખીણ (હડપ્પા/મોહે જો દરો) અતિ વિકસિત નગર સંસ્કૃતિ રૂપે પ્રખ્યાત હતી. આ સંસ્કૃતિમાં પણ એક શિંગી પશુ, ગાય, સિંહ, હરણ, ઘેટાં-બકરાં, ઊંટ, પક્ષીઓ, અન્ય પાલતુ પ્રાણીઓ વગેરેના અસ્તિત્વનો ખ્યાલ અવશેષો પરથી મળી આવે છે. પ્રાણીઓના સંરક્ષક એવા ભગવાન પશુપતિનાથ ( શિવ ) ના ધ્યાન મુદ્રામાં સ્થિત હોય તેવા અવશેષો પ્રાપ્ત છે. આમ આ કાળ ખંડમાં માનવ અને પ્રાણી વર્ગ એકબીજા સાથે ખુબજ હળી મળી ગયા હોય તેવું પ્રતીત થાય છે. ભારતના સમ્રાટ અશોક ના શાસન કાળમાં સિંહ તેમજ ગુપ્ત સામ્રાજ્યમાં ગરુડ પક્ષી રાજ્યના પ્રતીક રૂપે પ્રખ્યાત હતા. જેના પરથી સાબિત થાય છે કે માનવીએ વિશાળ સામ્રાજ્યના ચિન્હ રૂપે કોઈ વ્યક્તિ ને બદલે પ્રાણી કે પક્ષીને વધુ મહત્વ આપ્યું હતું.

હવે વાત કરીએ આધુનિક યુગની, આ યુગમાં શહેરી વસવાટ વધતા મનુષ્ય નો જંગલી પ્રાણીઓ સાથેનો નાતો ઘટયો જ્યારે પાલતુ પ્રાણીઓ સાથેનો સંબંધ વધુ નિકટ બન્યો. દા.ત. વરું, શિયાળ કે ઝરખ જેવા પ્રાણીઓ અને માનવ મૈત્રી પૂર્વક વર્તન કરતા હતા પરંતુ આજે આવા રાની પશુઓ સાથેનો નાતો બદલાઈ ગયો છે. જ્યારે શ્વાન, બિલાડી વગેરે પાલતુ પ્રાણીઓ માનવ વસાહત સાથે ગાઢ રીતે જોડાઈ ગયા છે અને એક પણ ગલી કે શેરી ની કલ્પના શ્વાન & બિલાડી વિના અધૂરી છે.

ધાર્મિક તથ્યો તપાસતા જણાય છે કે રામાયણમાં ભારત-શ્રીલંકા વચ્ચે રામસેતુ નિર્માણ દરમ્યાન વાનર સેના અને લીમડાના ઝાડ પર રહેતી ખિસકોલી નું યોગદાન મુખ્ય છે. મહાભારતમાં શ્રીકૃષ્ણ અર્જુનના સારથિ તરીકે હતા અને આ રથની પતાકા (ધ્વજ-ધજા) માં વાનરરૂપે બજરંગબલી ટોચના સ્થાને બિરાજમાન હતા. દેવી-દેવતા સાથે પણ પ્રાણી વર્ગનો પરિચય થાય છે જેમકે, મહાદેવ સાથે સાપ, વાઘ, નંદી (બળદ), કાચબો, હાથી અને ગણેશ સાથે હાથી - ઉંદર અને કાર્તિક(મુરુગન) સાથે મોર તથા વિષ્ણુ સાથે શેષનાગ અને રાજા રણછોડરાય એવા શ્રીકૃષ્ણ તો ગો-ધન વિના કેમ વિસરાઈ જાય. દેવીઓમાં દુર્ગા માતા નું વાહન વાઘ (જે આજે ભારત નું રાષ્ટ્રીય પ્રાણી છે) ઉપરાંત ખોડીયાર માતાજી સાથે મગર, સરસ્વતી માતા સાથે રાજહંસ, લક્ષ્મી માતા સાથે ઘુવડ જોવા મળે છે

::::::: હવે જાણીએ પ્રાણી જગતની માનવ મન અને જીવન પરની  અસરો :::::::

૦ પ્રાચીન કાળથી આજ સુધી યુદ્ધ અને જાસૂસી જેવી બાબતો માટે પણ પશુ પક્ષીઓનો ઉપયોગ થતો આવ્યો છે. દા.ત. પ્રાચીન સમયમાં કબૂતર વડે સંદેશા વ્યવહાર થતો તેમજ હાલમાં પાકિસ્તાન ચિપ લગાવેલા કબૂતરો ને સરહદી વિસ્તારમાં જાસૂસી માટે મોકલે છે તેવા સમાચાર મળતા હોય છે. શ્વાન પણ ગુન્હા શોધક શાખામાં ફરજ બજાવી ગુનેગારોને પકડવામાં સહાય કરે છે.

૦ "The Emotional Intelligence Of Animals" નામની બુક મુજબ પ્રાણીઓ 5 પ્રકારે માનવ પ્રત્યેની લાગણી પ્રદર્શિત કરી શકે છે.

૦ હમણાંજ કોરોના અને લોક ડાઉનના સમયમાં બોલીવુડ સિતારાના આપઘાતના સમાચારે દેશની જનતાના ધડકતા દિલમાં લાગણીનો ભૂકંપ લાવી દીધો. માનવીના મનમાં રહેલી નકારાત્મકતા દૂર કરવામાં પણ પ્રાણી મદદરૂપ થાય છે. અાથી જ લોક ડાઉનના સમયમાં પ્રાણીઓ રાખતી શોપમાં પાલતુ પ્રાણી લેવા માટે લોકોની ભીડ જામતી જોવા મળે છે.

૦ પ્રાણી માનવીના મિજાજ(Mood) ને બદલી શકે છે જેમકે નોકરીમાંથી થાકીને આવેલ કર્મચારી કે શાળાએથી આવેલ બાળકો ઘરના પાલતુ ડોગ્ગી (શ્વાન) કે કિટ્ટી (બિલાડી) ને મળતા જ ખુશ થઈ જાય છે.

૦ પ્રાણીઓ મનુષ્યના દુઃખને પારખી તેને ઘટાડવા પ્રયત્ન કરે છે. દા.ત. રોતા બાળકને છાનુ રાખવાના બિલાડીના પ્રયત્નોના વિડીઓ તમે  YouTube મા જોયા જ હશે.

૦ તમે અખબારોમાં ગાય કે ભેંસ દ્વારા તેના માલિકને સિંહના હુમલાથી બચાવવાના સમાચારો તો વાચ્યા જ હશે આ ઘટનાઓ માનવ અને પ્રાણી સૃષ્ટિને જોડતી કડીઓ છે.

૦ પ્રાચીન-અર્વાચીન સ્થાપત્યો ( મંદિર, ગુફા, મહેલ, વાવ, શિલાલેખ વગેરે) કે કળા (ચિત્ર, ભરતકામ, મીનાકારી વગેરે) માં પણ મનુષ્ય સાથે પ્રાણી સંસ્કૃતિને વિશેષ સ્થાન પ્રાપ્ત છે.

૦ પ્રાણીઓ માં કુદરત સાથે "અનુકૂલન (Amplexus) સાધવાની કળા" જન્મજાત હોય છે જે માનવી ગુમાવી બેઠો છે. કુદરતી આપદાઓ બાદ પ્રાણીઓ માનવ કરતા પહેલા "સ્થિતિસ્થાપક" (Resilient) થઇ જાય છે.

૦ શ્વાન મોટા ભાગે કોઈ ઘરનો પાલતુ ન હોય તો પણ તે શેરી મહોલ્લામાં આવનાર અજાણ્યા વ્યક્તિ કે અન્ય શ્વાન સામે ભસીને પોતાના સ્થાનિક સ્વરાજ(ગલી-મહોલ્લો) પ્રત્યેની વફાદારી દર્શાવે છે.

૦ તમારા ખિસ્સામાં રહેલ RBI અધિકૃત ચલણી નોટમાં પણ "સિંહ અને વાઘ" ના દર્શન થાય છે.

૦ હમણાંજ એક માદા ગર્ભવતી હાથી ને ફટાકડા વાળુ નકલી અનાનસ આપી મોતને ઘાટ ઉતારી દેવામાં આવી. આવી ઘટનાઓ ન બને તે માટે જ અનેક કાયદાઓ ઘડાયા છે અને પ્રાણી પ્રેમી (પર્યાવરણ પ્રેમી) લોકો સ્વયંસેવક રીતે પ્રાણી સંસ્કૃતિ નું જતન કરી રહ્યા છે.

મારો આ નાનકડો પ્રયાસ એવા પ્રાણીપ્રેમી લોકો જે પતંગના દોરાથી ઘાયલ થયેલ કે અન્ય આકસ્મિક સંજોગોમાં કોઈ એક પશુ કે પક્ષી ને નહિ પરંતુ અખિલ પ્રાણી સંસ્કૃતિ ને બચાવી તેમનું જતન અને સંવર્ધન કરી રહ્યા છે ઉપરાંત માનવજગત અને પ્રાણી સૃષ્ટિ વચ્ચે અનુકૂલન સાધવાની નૈતિક ફરજ બજાવી રહ્યા છે એ દરેક વ્યક્તિને અર્પણ.

***** અજયગીરી ગોસ્વામી *****

No comments:

Post a Comment