કોઈપણ દેશના આર્થિક વિકાસની પ્રગતિ એ દેશના યુવાનોને આભારી હોય છે. ભારત વસ્તીમાં ચીન કરતા પણ આગળ વધી ગયું છે, છતાં પણ આપણે ચીન કરતા વિકાસની દ્વષ્ટિએ પાછળ છીએ. દેશની બીબાઢાળ શિક્ષણનીતી ને કારણે આપણે દર વર્ષે થોકબંધ સ્નાતકો બહાર પાડીએ છીએ પણ વાત જ્યારે ગુણવતાની આવે ત્યારે આપડે સરેરાશ કરતાં પણ નીચું પ્રદર્શન કરીએ છીએ. આજનો યુવા દિશાવિહીન છે, પોતાનો વિકાસ શામાં છે એની પોતાને ખબર જ નથી. એના જીવનનો એક જ ધ્યેય છે સવાર પડી ગઈ ઊઠો, કોલેજ જાવ, પાછા આવો અને દોઢ જીબી નેટ પૂરું કરો. આવા બેરોજગાર યુવાઓને કારણે દેશની અંદર ઓનલાઇન જુગાર પીરસતી એપનો જાણે રાફડો ફાટી નીકળ્યો છે. ડ્રીમ ઇલેવન, રમી સર્કલ, વિન્ઝી, એ ટુ થ્રી અને ન જાણે કેટલી એપ આજના યુવાનોને પોતાના તરફ આકર્ષિત કરીને દેશના યુવાનોનું ભવિષ્ય બરબાદ કરી રહી છે. ઓનલાઇન ગેમિંગ અને જુગાર એ એક પ્રકારનો માનસિક રોગ જ છે જેમાં યુવાનો થોડા સમયમાં કોઈ પણ મહેનત વગર "કરોડપતિ" બનવાના સપના જોઈ રહ્યા છે. ફ્રી બોનસના નામે યુવાઓ પોતાના પરિવારની આર્થિક મૂડી આવા જુગારમાં હારી રહ્યા છે. કેન્દ્ર સરકારે આવી ગેમિંગ એપ પર કાનૂની સકંજો કસવાની જરૂર છે.